રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એડમિશન માટે ફોર્મ ભરાવાનું શરૂ
Live TV
-
ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ આજે 28 ફેબ્રુઆરીના શુક્રવારથી શરૂ થયું છે. 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
ગુજરાતના 40 શહેર-જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધો. 1માં બાળકોને પ્રવેશ મળશે. આર્થિક નબળા-જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ધો.8 સુધી ફ્રી એજયુકેશન મેળવી શકશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ તો શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂ. 1.50 લાખ રાખવામાં આવેલી છે. જેમાં અલગ-અલગ 13 કેટેગરીમાં અગ્રતા આપવામાં આવશે.
RTEમાં ગુજરાતમાં 93,527 સીટ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડની સીટ ફાળવણી સૂચિ 27 માર્ચે જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, ખોટા ડોક્યુમેન્ટસના આધારે એડમીશન લેતા અમદાવાદમાં 197, સુરતમાં 108 વિદ્યાર્થીઓનાં એડમિશન રદ કરવામાં આવેલા છે.
અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠક પર પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદમાં આવક વધુ હોવા છતાં ઓછી રકમનો આવકનો દાખલો મેળવીને શહેરની જાણીતી સ્કૂલોમાં એડમિશન લીધેલા વાલીઓ પૈકી 197 વિદ્યાર્થીના એડમિશન રદ કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં 994 સ્કૂલોમાં 15,229 બેઠકો અને ગ્રામ્ય વિસ્તારમાં 388 સ્કૂલમાં 3,913 બેઠકો ઉપલબ્ધ રહેશે. ગત વર્ષે સુરત શહેરમાં 12,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 4,000થી વધુ બેઠકો હતી. ખોટા ડોક્યુમેન્ટસના આધારે પ્રવેશ મેળવતા 108 વિદ્યાર્થીનાં એડમિશન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યાં છે. આરટીઇ નિયમો મુજબ અલ્પસંખ્યક શાળાઓમાં પ્રવેશ નહીં મળે.
સુરત શહેરની 9 અને ગ્રામ્ય વિસ્તારની 2 સ્કૂલ આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં સામેલ નહીં થાય.
વડોદરામાં આરટીઈ હેઠળ કુલ 333 સ્કૂલમાં 4,800 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. ગત વર્ષ કરતા 1500 બેઠકોનો વધારો થયો છે. દર વર્ષે અંદાજીત 10 હજાર વાલીઓ બાળકના એડમિશન માટે અરજીઓ કરતા હોય છે. આ બેઠકો મુજબ 50 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોય છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી સ્કૂલમાં 6,640 વિદ્યાર્થી એડમિશન મેળવી શકશે. ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી સ્કૂલમાં 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. ગત વર્ષ કરતા પ્રવેશ પાત્ર ખાનગી સ્કૂલોની સંખ્યામાં 117 તો વિદ્યાર્થીઓની ઇન્ટેક કેપેસિટીમાં 2,153નો વધારો થયો છે. જેથી વધુ વિદ્યાર્થીઓ આરટીઇ હેઠળ એડમિશન મેળવી શકશે અને ધોરણ 1થી 8 સુધી ખાનગી સ્કૂલોમાં ફ્રી એજ્યુકેશન મેળવી શકશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.
રાજકોટ શહેર-જિલ્લાની 921 સ્કૂલમાં 6,640 વિદ્યાર્થી એડમિશન મેળવી શકશે
રાજકોટ શહેરમાં RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે તે માટે આ વર્ષે 2025માં 592 ખાનગી સ્કૂલમાં 4,453 સીટ છે.
એટલે કે, આટલી બેઠક ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. જેની સામે ગત વર્ષ 2024માં 589 ખાનગી સ્કૂલમાં 3,713ની ઇન્ટેક કેપેસિટી હતી. એટલે કે, ગત વર્ષ કરતાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવી શકાય તેવી સ્કૂલોમાં 3નો વધારો થયો છે, જ્યારે ઇન્ટેક કેપેસિટી પણ 740 વધી છે.
જ્યારે જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલોમાં વર્ષ 2025માં 329 ખાનગી સ્કૂલમાં 2,187 સીટ છે. જેની સામે ગત વર્ષે 2024માં 215 સ્કૂલમાં 774 ઇન્ટેક કેપેસિટી હતી. એટલે કે, અહીં પણ 11 તાલુકાની ખાનગી સ્કૂલોમાં 114નો વધારો થયો છે. જ્યારે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 1,413નો વધારો નોંધાયો છે. આમ બન્ને થઇને એટલે કે, રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી સ્કૂલમાં 6,640 વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકશે. ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી સ્કૂલમાં 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા.
મહત્વની વાત એ છે કે, વર્ષ 2023- 24થી ગુજરાત સરકાર દ્વારા એવો નિયમ ગણવામાં આવ્યો હતો કે જે બાળકોને 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓને જ ધોરણ 1માં પ્રવેશ આપવો. જેની અસર વર્ષ 2024-25ના એડમિશનમાં જોવા મળી હતી. રાજ્યમાં ધોરણ-1માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો અને તેથી તેની અસર સ્વરૂપે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી. કારણ કે, 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેઓને બાલવાટિકામાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી હતી.
જોકે, આ વર્ષે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેની જાહેરાત આજે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોષી દ્વારા કરવામાં આવેલી છે. વાલીઓ http://rte.orpgujarat.com વેબસાઈટ ઉપરથી ફોર્મ ભરી શકશે. જેમાં 1 જૂન, 2025ના 6 વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકો જ ધોરણ 1માં પ્રવેશપાત્રતા ધરાવે છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.