Skip to main content
Settings Settings for Dark

વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા કોલેજમાં કેમ્પસ એમ્બેસેડરની નિમણુંક કરવામાં આવશે

Live TV

X
  • શૈક્ષણિક વર્ષ 2022-23 માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની વિદ્યાશાખાઓના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

    આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 18 વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા કેમ્પસ એમ્બેસેડરની નિમણુંક કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ 2022-23 માટે વિદ્યાશાખાઓના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી કેમ્પસ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવશે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં સાંકળવાના પ્રયાસોના ભાગરૂપે ચૂંટણી પંચની સુચના મુજબ પ્રતિવર્ષ કેમ્પસ એમ્બેસેડર નિમવામાં આવે છે.

    શૈક્ષણિક સંસ્થાઓમાં મોટાભાગે રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકોને કેમ્પસ એમ્બેસેડર તરીકે નિમવામાં આવે છે. પરંતુ જે શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકો ઉપલબ્ધ ન હોય તેવી સંસ્થાઓમાં શૈક્ષણિક રીતે પ્રતિભા સંપન્ન, બિનરાજકીય તથા ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતા વિદ્યાર્થીઓને નિયુક્ત કરવામાં આવે છે. વિદ્યાર્થીની ગુણવત્તાયુક્ત પાશ્ચાદભુ, અભિવ્યક્તિની નિપુણતા અને કામ કરવાની તૈયારી મુજબ શૈક્ષણિક સંસ્થાના વડા અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીના પરામર્શમાં શૈક્ષણિક સંસ્થા દીઠ એક કે બે કેમ્પસ એમ્બેસેડરની પસંદગી કરવામાં આવે છે. જે પૈકી એક મહિલા હોય તે પ્રકારે આયોજન કરવામાં આવે છે.

    કોઈપણ છાત્ર સંઘ સાથે ન જોડાયેલા હોય, તેમના કુટુંબના કોઈપણ સભ્ય કોઈ રાજકીય પક્ષના સક્રિય સભ્ય, ધારાસભ્ય, સાંસદ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્ય ન હોય તેવા વિદ્યાર્થીની કેમ્પસ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવે છે. જેમની નિયુક્તિ પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા પોલીસ વડા મારફત તેમના ચારિત્ર્ય અંગેની ખરાઈ પણ કરવામાં આવે છે.

    ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકે નોંધણી કરાવવા લાયકાતની વિવિધ ચાર તારીખો નિર્ધારીત કરવામાં આવી છે. જે પૈકી 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવે અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને તે માટે નિયુક્તિ પામનાર કેમ્પસ એમ્બેસેડર્સે મહત્તમ પ્રયાસો કરવાના રહેશે. ઉપરાંત શિક્ષકો કે ફેકલ્ટી મેમ્બર્સ મતદાર તરીકે નોંધાયા છે કે કેમ તેની ખરાઈ તથા મતદાર તરીકે ન નોંધાયેલા શિક્ષકોના નામ મતદારયાદીમાં નોંધાય તે માટે કાર્યવાહી કરવાની રહેશે. કેમ્પસ એમ્બેસેડર્સે તેમના દ્વારા થતી કામગીરીનું દરેક વિદ્યાશાખા દીઠ અલગ અહેવાલ રજૂ કરશે.

    મતદાર યાદીમાં નામ કઈ રીતે નોંધાવવું?, મતદારયાદીમાં નામ કે અન્ય વિગતો સુધરાવવા શું કરવું?, કયા મતદાન મથક પર મત આપવા જવાનું છે? તે સ્થળના સરનામા સહિતની જાણકારી મેળવવા માટે NVSP અને Voter Helpline ના ઉપયોગ અંગે કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા વિસ્તૃત સમજ પણ આપવામાં આવશે. સાથે સાથે કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ https://eci.gov.in/ અને મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in/  ઉપરાંત વોટર હેલ્પલાઈન 1950 અંગે પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

    18 વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓના નામ મતદારયાદીમાં નોંધાય અને તેમના કુટુંબના સભ્યોના નામ મતદારયાદીમાં હોય તે સુનિશ્ચિત કરવાના રહે છે. સાથે જ કેમ્પસ એમ્બેસેડર્સ પોતાના વિસ્તારના બુથ લેવલ ઑફિસરથી માહિતગાર હોય તે પણ જરૂરી છે. જે માટે સંલગ્ન જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી કેમ્પસ એમ્બેસેડર્સને તાલીમ આપવામાં આવશે. સાથે જ કેમ્પસ એમ્બેસેડર્સને જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી ઓળખપત્ર અને બેજ ઉપરાંત શૈક્ષણિક વર્ષના અંતે કામગીરી અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન કરેલી કામગીરીનો અહેવાલ કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા શૈક્ષણિક સંસ્થાના વડા મારફત કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત તા.25મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ યોજાનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર જિલ્લામાં નિયુક્તિ પામેલા કેમ્પસ એમ્બેસેડર્સ પૈકી મૂલ્યાંકનના આધારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા શ્રેષ્ઠ ત્રણ કેમ્પસ એમ્બેસેડર્સનું જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં બહુમાન તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર્સ પૈકી રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર્સને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply