હિંદના દાદા: દાદાભાઈ નવરોજીની પુણ્યતિથીએ જાણીએ, તેમના યોગદાન વિશે
Live TV
-
દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર, 1825 ના રોજ મુંબઈ ખાતે પારસી પરિવારમાં થયો હતો. તેમનુ મૂળ વતન ગુજરાતના નવસારી છે. તેમના પિતાનું નામ પાલનજી નવરોજી અને માતાનું નામ માણેકબાઈ હતું. પારસી ધર્મગુરુના કુટુંબમાં જન્મેલા દાદાભાઈનાં લગ્ન 11 વર્ષની વયે સોરાબજી શ્રોફની પુત્રી ગુલબાઈ સાથે થયાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટ તથા કૉલેજના અભ્યાસ દરમિયાન દાદાભાઈએ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ખ્યાતિ મેળવવા બદલ તેમના અધ્યાપકે તેમને 'ભારતની આશા' કહ્યા હતા. તેઓ વડીલ નેતા, સમાજસુધારક, તથા ઉચ્ચ કોટીના દેશભક્ત હતા.
વિદ્યાભ્યાસ બાદ તેમણે પ્રથમ ઍલ્ફિન્સ્ટન શાળામાં શિક્ષક તરીકે 1845 અને પછીથી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અધ્યાપક તરીકે 1850 સુધી સેવાઓ આપી. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાકૃતિક તત્વજ્ઞાન તથા ગણિતશાસ્ત્ર તેમના પ્રિય વિષયો હતા. અધ્યાપક તરીકે આ કૉલેજમાં નિયુક્ત થનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તેમણે સામાજિક સેવાની પ્રવૃત્તિઓ પણ શરૂ કરી હતી. ઑગસ્ટ, 1851માં સ્થપાયેલી પારસી ધર્મસભાના મંત્રી તરીકે તેમણે વર્ષો સુધી પોતાની સેવાઓ આપી. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સુધારણા માટે ઈ.સ. 1851માં 'રહનુમા-ઇ-મઝદયરન સભા' ની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાએ 'રાશ્ત ગોફતાર'નામનુ મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું. તેઓ પ્રસિદ્ધ રાજકારણી ,ઉદ્યોગપતિ, શિક્ષણશાસ્ત્રી અને વિચારક હતાં.
દાદાભાઈએ નવેમ્બર, 1851માં ‘રાસ્ત ગોફતાર’ નામે પાક્ષિક (પછીથી સાપ્તાહિક) શરૂ કર્યું. તેઓએ 1855 માં 'THE VOICE OF INDIA' નામનું અખબાર પાડ્યું હતું. આ સામયિકે વિશેષત: હિન્દુ ધર્મ અને સમાજની સુધારણામાં નોંધપાત્ર ફાળો આપ્યો. દાદાભાઈના પ્રયાસોથી મુંબઈમાં 1852માં ‘બૉમ્બે ઍસોસિયેશન’ નામે પ્રથમ રાજકીય સંસ્થાની સ્થાપના થઈ હતી. તેઓએ 'ન્યાય પ્રસારક મંડળી' નામની એક મહિલા શાળાની સ્થાપના કરી હતી. તેમણે વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું હતું.
અધ્યાપનકાર્ય છોડીને દાદાભાઈ 1855માં ઇંગ્લૅન્ડ ગયા. 1855માં નવરોજી લંડનમાં ઈમ્પોર્ટન્ટ પારસી કોમર્શીયલ પેઢીમાં ભાગીદાર બન્યા હતા ત્યાર બાદ તેમણે ત્યાં પોતાનું કોમર્શયીલ હાઉસ શરું કર્યું. 31ઓક્ટોબર 1861માં ધ લંડન અંજુમન નામનું સંગઠન સ્થપાયું હતું અને ડૉ. દાદાભાઈ નવરોજી તેના સ્થાપક અને પ્રથમ પ્રમુખ હતા. ત્યાં ચૌદ વર્ષ(1855–1869)ના પ્રથમ વસવાટ દરમિયાન ધંધાકીય વિકાસની સાથે તેમણે ભારતની વિવિધ પ્રકારે સેવા કરી. 1859 માં તેમને ઈન્ડિયન સિવિસ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યુ હતું. 1859 માં જ તેમણે પોતાની કપાસ વેપારી કંપની, દાદાભાઈ નૌરોજી એન્ડ કંપનીની સ્થાપના કરી.
માર્ચ, 1856થી1866 દરમિયાન તેમણે લંડનની યુનિવર્સિટી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું. તેમણે પારસી કન્યાઓના શિક્ષણ તથા પારસી સેવા સંસ્થાઓના વિકાસ અર્થે ઉદારતાથી દાન આપ્યાં. તેમણે 1865 લંડનમાં પ્રથમ ‘લંડન ઇન્ડિયન સોસાયટી’ સ્થાપી જેને એક વર્ષ બાદ ‘ઈસ્ટ ઇન્ડિયા ઍસોસિયેશન’ નામ આપ્યું. આ સંસ્થાનો આશય બ્રિટિશ સરકાર તેમજ બ્રિટિશ સંસદ સમક્ષ ભારતના પ્રશ્નો રજૂ કરીને રાજકીય સુધારા મેળવવાનો તેમજ ભારતની ગરીબી દૂર કરાવવાનો હતો. દાદાભાઈએ કૉલકાતા, મુંબઈ તથા ચેન્નાઈમાં આ સંસ્થાની શાખાઓ પણ શરૂ કરી. તેઓની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે. તેઓ 'ભારતના રાષ્ટ્રવાદના પિતા' તરીકે જાણીતા છે. દાદાભાઈ નરોજીનું ધ્યેય ભારતમાં બ્રિટિશ શાસનના સમયગાળા દરમિયાન ભારતમાંથી બ્રિટનમાં સંપત્તિના નિકાલ પર કેન્દ્રિત હતું.
દાદાભાઈને 1874માં થોડાં સમય માટે વડોદરાના મહારાજાએ પોતાના રાજ્યના દીવાન તરીકે નિમણૂક કરી. ફક્ત 13 મહિનાના પોતાના વહીવટ દરમિયાન દાદાભાઈએ વડોદરા રાજ્યમાં નોંધપાત્ર સુધારા કર્યાં અને ત્યારબાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. દાદાભાઈએ 1875માં મુંબઈની નગરપાલિકામાં પણ સેવાઓ આપી. તેમણે 1882માં 'હન્ટર કમિશન' સમક્ષ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણનો વ્યાપ વધારવા માટે રજૂઆત કરી.જાન્યુઆરી, 1885માં સ્થપાયેલ બૉમ્બે પ્રેસિડન્સી ઍસોસિયેશનના તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા અને 1886માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે પોતાના અવસાન સુધી હિન્દી રાષ્ટ્રીય મહાસભા મારફત રાષ્ટ્ર સેવાનું કાર્ય સતત ચાલુ રાખ્યું. તેઓ 1892માં મધ્યસ્થ ધારા સમિતિના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.
1892માં દાદાભાઈ ઇંગ્લૅન્ડના ઉદારમતવાદીઓના ટેકાથી બ્રિટિશ સંસદના પ્રથમ હિન્દી સભ્ય તરીકે ચૂંટાયા. તેમણે બ્રિટિશ સંસદમાં હિન્દના પ્રશ્નોની સચોટ રજૂઆત કરી તથા હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને સ્વરાજ્ય આપવાનો બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો. 1906માં દાદાભાઈ ફરી કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા અને તેમણે બ્રિટિશ સરકારને ફરી સ્વરાજ્ય માટે અનુરોધ કર્યો. દક્ષિણ આફ્રિકાની સરકારની રંગભેદની નીતિ સામે ગાંધીજીની ન્યાયી લડતને દાદાભાઈએ ટેકો આપ્યો.
દાદાભાઈ નવરોજીએ ભારતની ગરીબી માટે ભારતમાંના બ્રિટિશ શાસનને જવાબદાર ઠેરવ્યું. 1901માં ‘પૉવર્ટી ઍન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા’ નામે લખેલ ગ્રંથમાં તેમણે આધારભૂત આંકડાઓ સાથે સાબિત કર્યું કે બ્રિટિશ શાસન તથા તેની આર્થિક નીતિથી એક વખતનું સમૃદ્ધ ભારત આર્થિક રીતે પાયમાલ થયું હતું.
દાદાભાઈએ 1906 માં ઇંગ્લૅન્ડ છોડીને સ્વદેશમાં જીવનના અંત એટલે કે 1917 સુધી રાષ્ટ્ર સેવાનું કાર્ય ચાલુ રાખ્યું. દાદાભાઈએ 61 વર્ષ સુધી રાષ્ટ્ર સેવા કરી. ગાંધીજીએ દાદાભાઈને વાસ્તવિક અર્થમાં ભારતના દાદા તરીકે વર્ણવ્યા છે તથા તેમને સેવા અને સાધનાના ઉમદા પ્રતીક તરીકે બિરદાવ્યા છે.
ભારતના વડીલ નેતા (grand old man of india) દાદાભાઈ નવરોજીનું નિધન 30 જૂન, 1917ના રોજ મુંબઈ ખાતે થયું હતું.
