“12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના”નો સોમનાથના 39 પશુપાલકોએ લીધો લાભ, 42.19 લાખની ચૂકવાઈ સહાય
Live TV
-
વર્ષોથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. સમયાંતરે દૂધની વધતી જતી માંગ અને તેના વેચાણ દ્વારા મળતા આર્થિક લાભને કારણે આજે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે.
ખેડૂતો પશુપાલન વ્યવસાય થકી મહત્તમ આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારે વર્ષ 2018-19થી “12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ વર્ષ 2023-24 દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના 39 પશુપાલકોને કુલ રૂ. 42.19 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી.
આ યોજના હેઠળ પશુપાલકોને 12 દૂધાળા પશુની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી વ્યાજ સહાય, ડેરી ફાર્મ સ્થાપનાના પહેલા ત્રણ વર્ષના પશુ વિમાના પ્રિમિયમ પર સહાય, કેટલ શેડ બાંધકામ પર સહાય, ઇલેકટ્રીક ચાફકટર, મીલ્કીંગ મશીન અને ફોગર સીસ્ટમ ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ માહિતી વિધાનસભામાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આપી હતી.