CM ભૂપેન્દ્ર પટેલે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રને અર્પી શ્રદ્ધાંજલિ
Live TV
-
22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરનાં પહેલગામ થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના મૃત્યુ થયા હતા. સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી.
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં અવસાન થયું હતુ. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી.
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.
મુખ્યમંત્રી સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રેન્જ આઈ.જી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.