GSRTCની પ્રયાગરાજ માટે અત્યાર સુધી 184 ટ્રીપ પૂર્ણ
Live TV
-
ગુજરાતના નાગરિકોની મહાકુંભની યાત્રાને સુગમ અને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 27 જાન્યુઆરીએ GSRTCની વિશેષ વૉલ્વૉ સેવા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટથી કુલ 6 વૉલ્વો અત્યારે યાત્રાળુઓને પ્રયાગરાજ સુધી પહોંચાડે છે. 17 ફેબ્રુઆરી સુધીમાં પ્રયાગરાજ પહોંચીને પરત ફરવાની કુલ 184 ટ્રીપ પૂર્ણ કરવામાં આવી છે જેનો લાભ 4300 જેટલા શ્રદ્ધાળુઓએ મેળવ્યો છે.
આ સેવાને જો રેટિંગ આપવું હોય તો પણ ઓછું પડે: શ્રદ્ધાળુ
આ સેવાને જો રેટિંગ આપવું હોય તો પણ ઓછું પડે ,તેવું એક્સલન્ટ કામ ગુજરાત સરકારે આ પ્રીમિયમ બસ સેવાના માધ્યમથી મહાકુંભ પ્રવાસ થકી કર્યું છે, કોઈ કોર્પોરેટ કંપની સેવા આપતી હોય તેવી કામગીરી સરકાર દ્વારા થઈ છે તેમ પ્રયાગરાજ ની યાત્રા થી પરત ફરી રહેલા એક શ્રદ્ધાળુએ જણાવ્યું હતું. મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદરના યાત્રાળુ જીગ્નેશ વાજાએ તેમના અનુભવમાં કહ્યું હતું કે,આ સેવાનો લાભ મળ્યો, અને સમગ્ર પ્રવાસ દરમિયાન બાપુનું સ્વપન ‘સ્વચ્છતામાં પ્રભુતા’ સાર્થક થતું જોવા મળ્યું હતું.અમદાવાદના નારણપુરાના રહેવાસી અજય કંસારાએ જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન ગુજરાત એસટી નિગમની કામગીરી પ્રેરણાદાયક હતી. તેમના કર્મયોગીઓની સેવા પ્રશંસનીય છે. આ યાત્રામાં ગુજરાત સરકાર સહભાગી બનીને શ્રદ્ધાળુઓને યાત્રા કરાવે છે તે કામગીરી બિરદાવા લાયક છે. ઉપરાંત ગુજરાત પેવેલિયનમાં પણ અદભુત સેવા મળી હતી.
વડોદરાના 45 વર્ષીય જયેશ લાડાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની આ સુવિધાથી તેમના ગ્રુપની યાત્રા યાદગાર બની ગઇ હતી. બસનું આરામદાયક સીટીંગ, સ્ટાફનો વ્યવહાર, શિવપુરીમાં રાત્રિરોકાણ અને પ્રયાગરાજમાં લોકલ ટીમ દ્વારા તેમને જે બ્રીફીંગ આપવામાં આવ્યું તે પ્રશંસનીય છે.
GSRTCની ટીમે સમગ્ર રૂટનો સર્વે કરીને યાત્રાને સુગમ બનાવી
પ્રયાગરાજનો રૂટ નવો હોવાથી યાત્રાળુઓને તકલીફો ન પડે તે હેતુથી GSRTCની એક ટીમે પ્રયાગરાજના રૂટનો અગાઉથી સર્વે કરીને યોગ્ય માહિતી મેળવી હતી. આ ટીમે અન્ય રાજ્યોની પોલીસને પણ આ વ્યવસ્થા અંગે માહિતગાર કર્યા હતા જેથી બસને પ્રવાસ દરમિયાન સરળતા રહે. મધ્યમપ્રદેશના શિવપુરીમાં રાત્રિ રોકાણ માટે ઉચ્ચ ગુણવત્તાની હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. પ્રયાગરાજ પર પાર્કિંગ પણ સંગમની નજીક જ રાખવામાં આવ્યું હતું. પ્રવાસમાં ગયેલા યાત્રિકોએ જણાવ્યું હતું કે બસના સુપરવાઇઝર અને પાયલટ તેમને પરિવારની જેમ સાચવતા હતા અને તેમને કોઈ અગવડ પડવા દીધી ન હતી.રાજ્યમાં 100 વૉલ્વૉ બસનું સંચાલન
રાજ્યના નાગરિકોને પ્રિમિયમ સેવા આપવા માટે અત્યારે GSRTC દ્વારા 100 વૉલ્વૉ બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ બસોમાં આરામદાયક પુશબેક સીટ, એર સસ્પેન્શન અને અત્યાધુનિક ફાયર સિસ્ટમ હોય છે. રાજ્યમાં વિવિધ સ્થળો સહિત દીવ અને નાથદ્વારા માટે પણ આ સેવા ઉપલબ્ધ છે. મહાકુંભ માટે છેલ્લી ટ્રીપ 25 ફેબ્રુઆરીએ રવાના થશે.