અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી વાન્સ ભારતના પ્રવાસે,આમેર કિલ્લાની મુલાકાત લેશે
Live TV
-
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ (જેડી) વાન્સ 21 એપ્રિલે ભારત આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે જયપુરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ (જેડી) વાન્સ 21 એપ્રિલે ભારત આવી રહ્યા છે. તેઓ ભારતની ચાર દિવસની મુલાકાતે રહેશે, જે દરમિયાન તેઓ 'પિંક સિટી'ની પણ મુલાકાત લેશે.
ઉપરાષ્ટ્રપતિ વાન્સ હાલમાં તેમના પરિવાર સાથે ઇટાલીમાં છે અને સોમવારે (21 એપ્રિલ) ભારત પહોંચશે. તેઓ પહેલા દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે, ત્યારબાદ તે જ સાંજે તેઓ જયપુર જવા રવાના થશે. જયપુર એરપોર્ટ પર તેમનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવશે.
વાન્સ 21 થી 24 એપ્રિલ સુધી જયપુરમાં રહેશે. 22 એપ્રિલની સવારે, તેઓ ઐતિહાસિક આમેર કિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેમનું પરંપરાગત રાજસ્થાની શૈલીમાં સ્વાગત કરવામાં આવશે. વાન્સ અને તેનો પરિવાર જોધપુરી પાઘડી પહેરશે અને રાજસ્થાની કઠપૂતળીના શો, લોકનૃત્ય, પરંપરાગત ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણશે.
આ પછી, વાન્સ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાનારી યુએસ-ઇન્ડિયા બિઝનેસ સમિટમાં ભાગ લેશે અને બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો અંગે પોતાનો દ્રષ્ટિકોણ શેર કરશે. 23 એપ્રિલે, તેઓ યુએસ એરફોર્સના ખાસ વિમાન દ્વારા આગ્રાની મુલાકાત લેશે અને તાજમહેલ જોશે. લગભગ ત્રણ કલાક ત્યાં રહ્યા પછી, તેઓ બપોરે ફરી જયપુર પાછા ફરશે અને તે જ દિવસે જયપુર સિટી પેલેસની મુલાકાત પણ લેશે.
જયપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રાજસ્થાન પોલીસના સાદા પોશાકમાં અધિકારીઓ, 20 વાહનોનો કાફલો અને ખાસ એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. વાન્સની મુલાકાત દરમિયાન આમેર કિલ્લો સામાન્ય લોકો માટે અઢી કલાક માટે બંધ રહેશે. વિદેશ મંત્રી એસ. જયશંકર દિલ્હીમાં વાન્સનું સ્વાગત કરશે અને આમેર કિલ્લાની તેમની મુલાકાતમાં પણ તેમની સાથે જોડાઈ શકે છે.
બિઝનેસ સમિટ પછી, ઉપરાષ્ટ્રપતિ વાન્સ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને રાજ્યપાલ હરિભાઉ બાગડેને પણ મળશે. વાન્સની સાથે તેમની પત્ની ઉષા, બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ તેમજ અન્ય વરિષ્ઠ યુએસ અધિકારીઓ પણ રહેશે. છેલ્લા 13 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા જો બિડેન 2013માં ભારતની મુલાકાતે આવ્યા હતા.