ગાઝામાં 400 થી વધુ લોકોના મોત, ઇઝરાયલી હુમલાઓએ મચાવી તબાહી
Live TV
-
ઈઝરાયલી હવાઈ હુમલાઓએ ગાઝામાં ભારે વિનાશ સર્જ્યો છે. આ ઘાતક બોમ્બ વિસ્ફોટમાં 400 થી વધુ લોકો માર્યા ગયા છે. દરમિયાન, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અને ઇઝરાયલ સિક્યુરિટી એજન્સીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં "આતંકવાદી લક્ષ્યો" પર તેમના હુમલા ચાલુ છે.
યહૂદી રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી આ લશ્કરી કાર્યવાહી યુદ્ધવિરામ કરારને સંપૂર્ણપણે તોડી પાડવાની ધમકી આપે છે. મીડિયા અહેવાલો અનુસાર, ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 404 લોકો મૃત્યુ પામ્યા છે, જે યુદ્ધ શરૂ થયા પછી એક જ દિવસમાં સૌથી મોટો આંકડો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં 562 લોકો ઘાયલ થયા છે.
હુમલાઓ શરૂ થયા પછી IDFએ નવા સ્થળાંતર આદેશો જારી કર્યા. લોકોને બેત હાનુન, ખુઝા'આ અને અબાસન અલ-કાબીરા અને અલ-જાદીદાના વિસ્તારો છોડી દેવાનું કહેવામાં આવી રહ્યું છે. "તેઓએ 'તાત્કાલિક' પશ્ચિમ ગાઝા શહેર અને ખાન યુનિસના આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવું જોઈએ," IDF પ્રવક્તાએ X પર જણાવ્યું હતું.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલ "હમાસ સામે લશ્કરી કાર્યવાહીમાં વધારો કરશે." નિવેદનમાં તેમના પર બંધકોને મુક્ત કરવાનો ઇનકાર કરવાનો અને યુદ્ધવિરામ લંબાવવાના પ્રસ્તાવોને નકારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
બીજી તરફ હમાસે ઇઝરાયલ પર "અસુરક્ષિત નાગરિકો" પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. પેલેસ્ટિનિયન જૂથે કહ્યું કે મધ્યસ્થીઓએ યુદ્ધવિરામના "ઉલ્લંઘન અને ઉલટાવી દેવા" માટે ઇઝરાયલને "સંપૂર્ણપણે જવાબદાર" ઠેરવવું જોઈએ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીના ઉત્તરથી દક્ષિણ સુધી હવાઈ હુમલાઓમાં નાગરિક ઘરો અને શિબિરોને નુકસાન થયું હતું અને ઇઝરાયેલી ટેન્કોએ સરહદ પાર કરીને આ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો.
ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલાઓએ બચી ગયેલા બંધકોના પરિવારોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. પરિવારના સભ્યો કહે છે કે ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીને કારણે તેમનો સૌથી ખરાબ ભય સાચો પડ્યો છે.
"પરિવારો, અપહરણ કરાયેલા લોકો અને ઇઝરાયલી નાગરિકોનો સૌથી ખરાબ ભય સાચો પડ્યો છે. ઇઝરાયલી સરકારે બંધકોને તેમના ભાગ્ય પર છોડી દેવાનો નિર્ણય લીધો," ફોરમ ઓફ ફેમિલીઝ ઓફ હોસ્ટેજીસ એન્ડ મિસિંગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે.
નિવેદનમાં આઘાત અને ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો કે "આપણા પ્રિયજનોને પાછા લાવવાની પ્રક્રિયાને જાણી જોઈને અટકાવવામાં આવી રહી છે."
વ્હાઇટ હાઉસે પોતે જ ખુલાસો કર્યો હતો કે લશ્કરી કાર્યવાહી કરતા પહેલા ઇઝરાયલે પણ અમેરિકા સાથે આ બાબતે ચર્ચા કરી હતી. "ઇઝરાયલે આજે રાત્રે ગાઝામાં તેના હુમલાઓ અંગે ટ્રમ્પ વહીવટીતંત્ર અને વ્હાઇટ હાઉસ સાથે સલાહ લીધી," વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક અમેરિકન ન્યૂઝ ચેનલ પરના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
તેની શરૂઆત 7 ઓક્ટોબર, 2023 ના રોજ થઈ હતી, જ્યારે પેલેસ્ટિનિયન જૂથ હમાસે ઇઝરાયલ પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી, ઇઝરાયલે હમાસ-નિયંત્રિત ગાઝા પટ્ટી પર હુમલા શરૂ કર્યા. ઇઝરાયલી હુમલાઓએ ગાઝા શહેરને ખંડેરમાં ફેરવી દીધું છે અને હજારો પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે.