ભારત-શ્રીલંકા વચ્ચે, સંરક્ષણ સહયોગ સહિત 7 કરારો પર હસ્તાક્ષર થયા
Live TV
-
કોલંબોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ, બંને દેશોએ પ્રથમ વખત મહત્વાકાંક્ષી સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા.
રાષ્ટ્રપતિ દિસાનાયકે સાથે, પત્રકાર પરિષદને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત-શ્રીલંકા વચ્ચે સુરક્ષા હિતો સમાન છે. બંને દેશોની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે. તેમણે કહ્યું, "ભારતના હિતો પ્રત્યે સંવેદનશીલતા બદલ હું રાષ્ટ્રપતિ દિસાનાયકનો આભારી છું. અમે સંરક્ષણ સહયોગમાં થયેલા મહત્વપૂર્ણ કરારોનું સ્વાગત કરીએ છીએ." તેમણે કહ્યું કે, અમે કોલંબો સુરક્ષા પરિષદ અને હિંદ મહાસાગરમાં સુરક્ષા સહયોગ પર સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા છીએ.
દરમિયાન, રાષ્ટ્રપતિ દિસાનાયકે એ કહ્યું કે, તેમણે પ્રધાનમંત્રી મોદીને ખાતરી આપી છે કે શ્રીલંકા તેની જમીનનો ઉપયોગ ભારતના સુરક્ષા હિતોને નુકસાન પહોંચાડે તેવી કોઈપણ રીતે થવા દેશે નહીં. દિસાનાયકે એ કહ્યું કે, તેમણે મોદીને એમ પણ કહ્યું કે જરૂરિયાતના સમયે શ્રીલંકાને ભારતનો ટેકો અને સતત એકતા તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે વર્ચ્યુઅલી સામપુર સોલાર પાવર પ્રોજેક્ટ અને શ્રીલંકાની 5000 ધાર્મિક સંસ્થાઓને સોલાર રૂફટોપ સિસ્ટમનો પુરવઠો શરૂ કર્યો.
મોદીએ કહ્યું કે, સામપુર સૌર ઉર્જા પ્લાન્ટ શ્રીલંકાની ઉર્જા સુરક્ષામાં મદદ કરશે. મલ્ટી-પ્રોડક્ટ પાઇપલાઇન બનાવવા અને ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસાવવા માટે થયેલા કરારોથી બધા શ્રીલંકાના લોકોને ફાયદો થશે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે ગ્રીડ ઇન્ટરકનેક્શન કરાર શ્રીલંકા માટે વીજળી નિકાસના વિકલ્પો ખોલશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, શ્રીલંકા ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને મહાસાગરમાં વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ દિસાનાયકેની ભારત મુલાકાત પછી, છેલ્લા ચાર મહિનામાં આપણા સહયોગમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.