વિદેશ મંત્રી એસ. જયશંકરે દાઉદી બોહરા સમુદાયના સદસ્યો સાથે કરી મુલાકાત, ઈદની શુભકામના પાઠવી
Live TV
-
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે સોમવારે (31 માર્ચ, 2025) દાઉદી બોહરા સમુદાયના સદસ્ય શાહજાદા હુસૈન બુરહાનુદ્દીન અને અન્ય પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને ઈદ-અલ-ફિતરની શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન શિવસેનાના રાજ્યસભા સભ્ય મિલિંદ દેવડા પણ હાજર હતા. દાઉદી બોહરા સમુદાયના વડા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના સૌથી નાના પુત્ર શાહજાદા હુસૈન બુરહાનુદ્દીન, દાવત-એ-હાદિયાના વહીવટી બાબતોના વડા છે અને દક્ષિણ મુંબઈમાં એક મુખ્ય ક્લસ્ટર પુનઃવિકાસ પ્રોજેક્ટ, SBUTના અધ્યક્ષ તરીકે કાર્યરત છે.
એસ જયશંકરે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કરીને મુલાકાતના ફોટા શેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, 'આજે સાંસદ મિલિંદ દેવરા સાથે શાહજાદા હુસૈન બુરહાનુદ્દીન અને દાઉદી બોહરા સમુદાયના પ્રતિનિધિઓને મળીને આનંદ થયો. તેમને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી અને તેમના પ્રેરણાદાયી સમુદાય કાર્ય વિશે વાત કરી હતી.
જ્યારે મિલિંદ દેવડાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે શાહજાદા સૈયદી હુસૈન બુરહાનુદ્દીન, અબ્દુલકાદિર નૂરુદ્દીન અને દાઉદી વ્હોરા સમુદાયના નેતા સૈયદના સાહેબના નાના પુત્ર મુસ્તફા લોખંડવાલાને મળીને મને ખૂબ આનંદ થયો.'
દાઉદી બોહરા સમુદાય મુખ્યત્ત્વે ભારતમાં રહે છે. જે તેના મજબૂત સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા માટે જાણીતું છે. પાકિસ્તાન, યમન, પૂર્વ આફ્રિકા, મધ્ય પૂર્વમાં પણ તેની વસ્તી નોંધપાત્ર છે અને યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણપૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં વસ્તીમાં વધારો થઈ રહ્યો છે.
વિશ્વવ્યાપી દાઉદી બોહરા સમુદાયનું નેતૃત્વ અલ-દાઈ અલ-મુતલક (અનિયંત્રિત મિશનરી) દ્વારા કરવામાં આવે છે. જે મૂળ યમનથી કાર્યરત હતું અને છેલ્લા 450 વર્ષથી ભારતમાં સ્થિત છે. આ સમુદાય ફાતિમી ઇસ્માઇલી તૈયબી વિચારધારાને અનુસરે છે, જેમાં શ્રદ્ધા એક ભગવાન, અલ્લાહ પર કેન્દ્રિત છે અને પવિત્ર કુરાનને દૈવી શબ્દ તરીકે પૂજનીય છે. તેમનો ઐતિહાસિક વારસો ફાતિમિદ ઇમામો સાથે જોડાયેલો છે, જે ઇમામ અલી બિન અબી તાલિબ અને પયગંબર સાહેબની પુત્રી ફાતિમા દ્વારા પયગંબર મુહમ્મદના સીધા વંશજ છે.