સુનિતા વિલિયમ્સને પાછા લાવવાનું મિશન લોન્ચ, નાસા-સ્પેસએક્સની તૈયારી
Live TV
-
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવાની તૈયારીઓ થઈ રહી છે, જેના ભાગરૂપે નાસા અને સ્પેસએક્સ દ્વારા સંયુક્ત રીતે મિશન લોન્ચ કરવામાં આવ્યું છે.
નાસા અને સ્પેસએક્સે શનિવારે આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક (ISS) માટે માનવયુક્ત મિશન લોન્ચ કર્યું છે. આ અંતરીક્ષયાન નાસાના અંતરીક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવશે, જેઓ ગયા જૂન મહિનાથી અવકાશમાં ફસાયેલા છે. ડ્રેગન અવકાશયાને ભારતીય સમય અનુસાર શનિવારે સવારે 4.33 વાગ્યે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ પર ઉડાન ભરી હતી.
સ્પેસએક્સે કહ્યું હતું કે, "ફાલ્કન 9એ ક્રૂ-10 લોન્ચ કર્યું, જે ડ્રેગનનું 14મુ માનવયુક્ત અંતરીક્ષ ઉડાન મિશન છે જે સ્પેસ સ્ટેશન પર જશે."
ઉલ્લેખનીય છે કે, ક્રૂ-10 મિશન નાસાના અંતરીક્ષયાત્રીઓ એની મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અંતરીક્ષયાત્રી તાકુયા ઓનિશી અને રશિયાના રોસ્કોસ્મોસના અંતરીક્ષયાત્રી કિરીલ પેસ્કોવને ISS લઈ જશે. ISSના રસ્તામાં અંતરીક્ષયાનને અંતરીક્ષ મથક પર સ્વાયત્ત રીતે ડોક કરવામાં લગભગ 28.5 કલાક લાગશે. ક્રૂ-10 ઓર્બિટલ લેબમાં પહોંચ્યા પછી, નાસાનું સ્પેસએક્સ ક્રૂ-9 મિશન પૃથ્વી પર પાછું આવશે.
હકીકતમાં, લોન્ચિંગ મૂળ 13 માર્ચે કરવાનું આયોજન હતું, પરંતુ રોકેટ પર ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મ સાથે હાઇડ્રોલિક સિસ્ટમની સમસ્યાને કારણે લોન્ચિંગના એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા તેને રદ્દ કરવું પડ્યું હતું.
મહત્ત્વપૂર્ણ છે કે, વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર કે જેઓ જૂન 2024થી આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક (ISS) પર ફસાયેલા છે. બંને જૂન મહિનામાં બોઇંગના સ્ટારલાઇનરમાં આઠ દિવસના ISS મિશન પર ગયા હતા. જોકે, ટેકનિકલ સમસ્યાઓના કારણે સ્ટારલાઇનર પરત ફરવા માટે અસુરક્ષિત બન્યું હતું. નાસાનું કહેવું છે કે, વિલ્મોર અને વિલિયમ્સ અન્ય અંતરીક્ષયાત્રીઓ સાથે ISS પર સંશોધન અને જાળવણીમાં રોકાયેલા છે અને સુરક્ષિત છે.