કોલકાતામાં 'નબન્ના અભિજન' રેલી હિંસક બની, પોલીસે ટીયર ગેસ, વોટર કેનન્સ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો
Live TV
-
કોલકાતામાં 'નબન્ના અભિજન' રેલી દરમિયાન વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસ, વોટર કેનન્સ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વ્યાપક આક્રોશ વચ્ચે હાવડા બ્રિજ પર એકત્ર થયેલા વિરોધીઓએ પશ્ચિમ બંગાળ રાજ્ય સચિવાલય, નબન્ના તરફ કૂચ કરી હતી.
રેલીમાં દેખાવકારો પોલીસ બેરિકેડ્સ પર ચઢી જતા દેખાવકારોની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. દેવખાવકારોએ સચિવાલય તરફ જતા સંતરાગાચી વિસ્તારમાં ઉભા કરાયેલા બેરિકેટ્સને તોડી નાખ્યા હતા. નાગરિકો કોલેજ સ્ક્વેરથી રાષ્ટ્રધ્વજ લઈને અને સૂત્રોચ્ચાર સાથે માર્ચમાં જોડાયા હતા.
વિરોધની અપેક્ષાએ, પોલીસે નબન્નાની આસપાસ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે વિરોધીઓએ આગેકૂચ કરી ત્યારે તેમને રોકવા માટે રસ્તાઓ પર કન્ટેનર મૂકવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રશિક્ષણાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા અંગે કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, પ્રશિક્ષણાર્થી ડૉક્ટરનો મૃતદેહને 9 ઓગસ્ટના રોજ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ દેશભરમાં વ્યાપક આક્રોશ ફેલાતા ઠેર ઠેર વિરોધનું વંટોળ ઉઠ્યું.
પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે, દિવસની શરૂઆતમાં એક વિડિયો સંદેશમાં, રાજ્ય સરકારને વિનંતી કરી કે તેઓ વિરોધીઓ સામે બળનો ઉપયોગ ના કરે. તેમણે શાંતિપૂર્ણ વિરોધના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે લોકશાહીમાં બહુમતીના અવાજને દબાવવો ના જોઈએ.
'પશ્ચિમબંગા છાત્રો સમાજ' એ શરૂઆતમાં 27 ઓગસ્ટના રોજ રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ ઔપચારિક પરવાનગી ના લેવા અને અપૂરતી વિગતો પ્રદાન કરવા બદલ પોલીસે અસ્વીકાર કર્યો હતો. વિરોધ આગળ વધ્યો, હિંસક અથડામણમાં વધારો થયો કારણ કે વિરોધીઓએ રાજ્ય સચિવાલય સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો.