પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાત કરી, સંસદ પરિસરમાં થયેલ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું
Live TV
-
વિપક્ષ સાંસદે રાજ્યસભા સભાપતિની મિમિક્રી કરી હતી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુ:ખ વ્યક્ત કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે ટેલિફોન પર વાત કરીને ગઈકાલની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું. સંસદ પરિસરમાં રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મજાક ઉડાવવા અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિનું અપમાન જોઈને ખૂબ જ નિરાશ છે. પ્રતિનિધિઓ વિચાર વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ અભિવ્યક્તિ શિષ્ટ અને સમ્માનજનક રીતે કરવી જોઈએ.’
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોન પર વાત કરીને કેટલાક સાંસદોના અયોગ્ય વર્તન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેઓ પણ છેલ્લા 20 વર્ષથી અપમાન સહન કરી રહ્યા છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા સંવૈધાનિક પદની સાથે સંસદ ભવનમાં આ પ્રકારે થવું તે દુર્ભાગ્યપૂર્ણ છે.’
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જણાવ્યું કે, ‘કેટલાક લોકોની હરકત મને ફરજ નિભાવવા અને સંવિધાનના સિદ્ધાંતોને જાળવી રાખવા માટે ના રોકી શકે. સંવૈધાનિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છું અને કોઈપણ પ્રકારનું અપમાન મને કામ કરતા રોકી નહીં શકે.’