વિશાખાપટ્ટનમનાં મંદિરમાં થયેલી દુર્ઘટના પર PMએ વ્યક્ત કર્યું દુ:ખ,વળતરની કરી જાહેરાત
Live TV
-
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં દિવાલ ધરાશાયી થતા 14 લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમજ મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતરની જાહેરાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે X પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, "આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દિવાલ પડવાથી થયેલા મૃત્યુથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થવાની કામના. દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે."
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ટ્વિટર પર લખ્યું, "શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામીના ચંદનોત્સવ દરમિયાન દિવાલ પડવાથી થયેલા મૃત્યુથી મને ખૂબ જ દુઃખ થયું છે. ભારે વરસાદને કારણે દિવાલ પડવાથી બનેલી આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. મેં જિલ્લા કલેક્ટર અને એસપી સાથે ત્યાંની પરિસ્થિતિ વિશે વાત કરી છે. મેં ઘાયલોને તબીબી સારવાર આપવાના આદેશ આપ્યા છે. હું સમયાંતરે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું."
બુધવારથી શરૂ થઈ રહેલા વાર્ષિક ચંદનોત્સવ દરમિયાન દર્શન માટે ટિકિટ ખરીદવા માટે કતારમાં ઉભેલા શ્રદ્ધાળુઓ પર દિવાલ તૂટી પડી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસ અને અન્ય વિભાગોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતકોમાં પાંચ પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડીએ ભક્તોના દુ:ખદ મૃત્યુ પર ઊંડો શોક અને સંવેદના વ્યક્ત કરી. તેને હૃદયદ્રાવક ઘટના ગણાવતા તેમણે કહ્યું કે ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા આવેલા ભક્તોને આટલી દુ:ખદ રીતે પોતાનો જીવ ગુમાવવો પડ્યો તે ખૂબ જ દુઃખદ છે.