સાઉદી અરબ ભારતનું સૌથી મૂલ્યવાન ભાગીદાર, ભરોસાપાત્ર મિત્ર: વડાપ્રધાન મોદી
Live TV
-
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બંને દેશો દ્વિ-પક્ષીય રોકાણ સમજુતી પર કામ કરી રહ્યા છે, 10 વર્ષમાં બંનેના પરસ્પર સંબંધો ખૂબ જ ઝડપથી આગળ વધ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સાઉદી અરબના પ્રવાસે છે. સાઉદી અરબની યાત્રા માટે રવાના થતા પહેલાં મહત્ત્વનું સત્તાવાર નિવેદન બહાર પડ્યું હતું. આ મુલાકાત સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે.
"10 વર્ષમાં પરસ્પર સંબંધો ખૂબ જ ઝડપથી આગળ વધ્યા છે"
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, "હું સાઉદી અરેબિયાના જેદ્દાહ જઈ રહ્યો છું. હું ત્યાં ઘણી બેઠકો અને કાર્યક્રમોમાં હાજરી આપવાની યોજના બનાવી રહ્યો છું. ભારત સાઉદી અરેબિયા સાથેના તેના જૂના સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે. છેલ્લા દસ વર્ષમાં અમારા પરસ્પર સંબંધો ખૂબ જ ઝડપથી આગળ વધ્યા છે. હું સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બીજી બેઠકમાં ભાગ લેવા માટે આતુર છું. હું ત્યાં ભારતીય સમુદાયના લોકોને પણ મળીશ."
PM મોદીએ ઐતિહાસિક અને ઊંડા સંબંધો પર ભાર મૂક્યો
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં પીએમ મોદીએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના ઐતિહાસિક અને ઊંડા સંબંધો પર પણ ભાર મૂક્યો હતો. તેમણે નિવેદનમાં કહ્યું કે, ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે, જેણે તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક ઊંડાણ અને ગતિ મેળવી છે. સાથે મળીને આપણે સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં પરસ્પર ફાયદાકારક અને મજબૂત ભાગીદારી વિકસાવી છે. ક્ષેત્રીય શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં બંનેનું હિત અને પ્રતિબદ્ધતા છે. છેલ્લા દાયકામાં આ મારી સાઉદી અરેબિયાની ત્રીજી મુલાકાત હશે અને ઐતિહાસિક શહેર જેદ્દાહની મારી પહેલી મુલાકાત હશે.
"હું સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયને મળવા ઇચ્છુક"
સાઉદી અરેબિયા જતા પહેલા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "હું વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠકમાં હાજરી આપવા અને 2023માં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ભારતની અત્યંત સફળ મુલાકાતને આગળ વધારવા માટે આતુર છું. હું સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયને મળવા માટે પણ આતુર છું, જે આપણા દેશો વચ્ચે જીવંત સેતુ તરીકે કામ કરે છે અને સાંસ્કૃતિક અને માનવીય સંબંધોને મજબૂત બનાવવામાં મોટો ફાળો આપે છે."
વડાપ્રધાન મોદીની ગલ્ફ દેશની ત્રીજી મુલાકાત
ઉલ્લેખનીય છે કે,, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગલ્ફ દેશની ત્રીજી મુલાકાત હશે, આ પહેલા તેઓ 2016 અને 2019માં રિયાધની મુલાકાત લઈ ચૂક્યા છે. આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના ગાઢ વ્યૂહાત્મક સંબંધોને પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને ઊર્જા સહયોગ, વેપાર, રોકાણ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુખ્ય ક્ષેત્રોમાં. સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં G20 સમિટ દરમિયાન ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ભારત મુલાકાત અને ભારત-સાઉદી વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠક પછી આ મુલાકાત થઈ રહી છે.