હરિયાણા જમીન કૌભાંડ કેસમાં ED આજે રોબર્ટ વાડ્રાની ફરી કરશે પૂછપરછ
Live TV
-
હરિયાણા જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે ફરીથી સમન્સ પાઠવ્યું છે. આજે બુધવારે ED ઓફિસમાં વાડ્રાની ફરી પૂછપરછ કરવામાં આવશે.
મંગળવારે પણ EDએ રોબર્ટ વાડ્રાની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે. તૌરુના રહેવાસી સુરેન્દ્ર શર્માની ફરિયાદના આધારે 1 સપ્ટેમ્બર, 2018 ના રોજ ગુરુગ્રામના ખેરકી દૌલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પર અન્ય લોકો સાથે મળીને છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કેસમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ મામલે IPCની કલમ 420, 120, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાયા પછી, IPC ની કલમ 423 હેઠળ નવા આરોપો ઉમેરવામાં આવ્યા.
ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે વાડ્રાની કંપનીએ ફેબ્રુઆરી 2008માં ગુડગાંવના શિકોપુરમાં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. કોમર્શિયલ લાઇસન્સ મેળવ્યા પછી, કંપનીએ તે જ મિલકત DLFને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી. આ કેસમાં, ED વાડ્રાની કંપનીમાં નાણાકીય અનિયમિતતાઓની તપાસ કરી રહી છે.