BAOUનો નવમો પદવિધાન સમારોહ યોજાયો,19094 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ
Live TV
-
19094 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ
રાજ્યપાલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે નવમો પદવિધાન સમારોહ યોજાયો હતો. આચાર્ય દેવવ્રતના હસ્તે કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો; નલિયા, દયાપર, રાપર અને ખાવડામાં યુનિવર્સિટીના ચાર નવા સેન્ટરનો શુભારંભ કરાયો હતો. આ અવસરે નવા પાંચ અભ્યાસક્રમોનો પણ તેમણે આરંભ કરાવ્યો હતો.
ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીની ઉપસ્થિતિમાં આયોજિત નવમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, વિદ્યા પ્રાપ્તિ પછી વ્યક્તિ વિનયી અને નમ્ર બનવો જોઈએ. સૌમ્ય વ્યક્તિ જ સન્માનનીય બને છે. નમ્રતાથી યોગ્યતા પ્રાપ્ત થાય છે.
આચાર્ય દેવવ્રતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદવીધારક અને ચંદ્રકો મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર અને 'વિકસિત ભારત' બનવા જઈ રહ્યું છે, ત્યારે યુવાનો સત્યનું આચરણ કરતાં કરતાં કર્તવ્યનિષ્ઠાથી પોતાની જવાબદારીઓનું નિર્વહન કરીને અન્યના કલ્યાણ માટે પ્રવૃત્ત થાય તે સમયની માંગ છે.
રાજ્યપાલે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અમીબેન ઉપાધ્યાય અને તેમની ટીમને અભિનંદન આપ્યાં. આ યુનિવર્સિટીએ કચ્છના સરહદી વિસ્તારોમાં સેવારત સેનાના જવાનોને, જેલના કેદીઓને, વિચરતી જાતિઓના લોકોને અને મહિલાઓને શિક્ષણ અને પ્રશિક્ષણના અવસર પૂરા પાડીને શ્રેષ્ઠ કામ કર્યું છે. મહિલા સશક્તિકરણનું અભિયાન અત્યારે જેટલું ઉજાગર થયું છે કેટલું અગાઉ ક્યારેય ન હતું.
ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, BAOUનો આ નવમો દીક્ષાંત સમારોહ એ અમૃતકાળનો પહેલો દીક્ષાંત સમારોહ છે. વર્ષ - 2047 માં ભારત હજારો વર્ષો જૂની વિરાસતની માવજત સાથે અભૂતપૂર્વ વિકાસ થકી વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. મંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, તમે સ્નાતક થઈને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે જ્યારે આગળ વધશો ત્યારે ફક્ત ડિગ્રી સર્ટિફિકેટ કે માર્કશીટ નહીં પરંતુ જ્ઞાન અને કૌશલ્ય પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આવનારી પેઢી નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ એક સમય પર એકથી વધુ કોર્સિસ કરી શકશે. આગામી સમયમાં આર્ટ્સનો વિદ્યાર્થી સાયન્સ ભણી શકશે અને સાયન્સનો વિદ્યાર્થી આર્ટસ ભણી શકશે. સાથે સાયબર સિક્યુરિટી અને એઆઈ ટેકનોલોજીનો પણ જ્ઞાન મેળવી શકશે. BAOUમાં લોન્ચ કરાયેલા પાંચ નવા અભ્યાસક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન 2047ને અનુરૂપ છે જે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પ્રગતિની બાહેંધરી આપનારા અને નવી દિશામાં લઈ જનારા છે.
જીવનમાં ફક્ત ડિગ્રી, સર્ટિફિકેટ કે માર્કશીટ નહીં, પરંતુ જ્ઞાન અને કૌશલ્ય મહત્વપૂર્ણ સાબિત થશે :ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ
ડિગ્રી માટે નહીં પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ અને શિક્ષણ જરૂરી : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
શિક્ષણને કારણે જ આપણે જીવનને સરળતા, સ્વતંત્રતા અને સહજતાથી માણી શકીએ છીએ : સોનિયાબેન ગોકાણી