PM મોદીએ પ્રધાનમંત્રી નિવાસસ્થાને US ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર નિવાસસ્થાને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમની પત્ની ઉષા વેન્સનું સ્વાગત કર્યું છે.
ભારતની મુલાકાતના પહેલા દિવસે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાંજે પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા છે. બંને દેશો વચ્ચે સહયોગ માટે નવી તકો ઉભી કરવા અને સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નોંધનીય છે કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ચાર દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. સોમવારે સવારે 9.45 વાગ્યે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી મોદી અને જેડી વેન્સ વચ્ચે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જેડી વાન્સ વચ્ચે 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી નિવાસસ્થાને મુલાકાત થઈ. પીએમ મોદી વેન્સના પત્ની ઉષા વેન્સ અને બાળકોને પણ મળ્યા. વેન્સ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વેન્સ પરિવાર માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું. સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બંને વચ્ચે ભારત-અમેરિકા વેપાર, ટેરિફ મુદ્દાઓ, સંરક્ષણ સહયોગ, ક્વાડ અને રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા શક્ય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની આગામી ભારત મુલાકાત અને બંને દેશો વચ્ચે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટો માટે એજન્ડા નક્કી કરવાની દ્રષ્ટિએ પણ આ મુલાકાત મહત્વપૂર્ણ છે. ઉપરાંત, વેન્સ માટે ડિનરનું આયોજન પણ કરાયું છે.