આવી હતી શ્રીદેવીની ફિલ્મી કરિયરની સફર
Live TV
-
પ્રથમ ફિમેલ સુપરસ્ટાર અભિનેત્રી તરીકે નામના મેળવનાર શ્રીદેવીને વર્ષ 2013માં પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
મિસ હવા હવાઈથી ખ્યાતિ મેળવનાર શ્રીદેવીના નિધનથી સમગ્ર બોલિવુડ અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. શ્રીદેવી દુબઈમાં એક લગ્ન સમારોહમાં દુબઈ ગયા હતા, જ્યાં હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું. 54 વર્ષિય પદ્મશ્રી શ્રીદેવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રથમ ફિમેલ સુપરસ્ટાર અભિનેત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના નિધનથી ચાહકો, બોલિવુડ રમત-ગમતની હસ્તિઓએ શોક વ્યક્ત કર્યો છે. ટ્વીટર પર હેસ ટેગ શ્રીદેવી ખૂબ ટ્રેન્ડ ચાલ્યો. 13 ઑગસ્ટ 1965માં તામિલનાડુના શિવકાશીમાં જન્મેલા શ્રીદેવીએ બાળપણથી જ અભિનયની શરૂઆત કરી હતી. માત્ર 4 વર્ષની ઉંમેરે તેમણે 1967માં તામિલ ફિલ્મ મરૂગામાં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે 1975માં બોલીવુડ ફિલ્મ જૂલીથી તેમણે બાળ-કલાકાર તરીકે એન્ટ્રી કરી હતી.
ચાર દાયકા સુધી સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ છોડી જનાર શ્રીદેવીએ હાલમાં જ મૉમ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પહેલા તેમણે ઇગ્લિશ વિગ્લિશ ફિલ્મથી બોલિવુડમાં કમબેક કર્યું હતું. શ્રીદેવીએ ખુદા ગવાહ, મિસ્ટર ઇન્ડિયા અને ચાંદની જેવી સુપર હીટ ફિલ્મો પણ આપી હતી. આ સાથે જ તેમણે હિમ્મતવાલા, તોહફા, નગીના, ઔલાદ, હીર રાંઝા, રૂપ કી રાની ચોરો કા રાજા, લાડલા, જુદાઈ જેવી યાદગાર ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
1996માં તેમણે નિર્દેશક બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. શ્રીદેવની બે પૂત્રી છે, જાનવી અને ખુશી. શ્રીદેવીએ બોની કપૂર પણ એક જાણીતા અભિનેતા અનિલ કપૂરના ભાઈ છે.
વર્ષ 1979માં તેમની પ્રથમ ફિલ્મ આવી જેનું નામ સોલવા સાવન હતું, જો કે વર્ષ 1983માં આવેલી ફિલ્મ હિમ્મતવાલાથી તેમને બોલિવુડમાં નામના મળી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. હિમ્મતવાલા બાદ 1989માં ચાલબાજ ફિલ્મ આવી જેમાં તેમણે ડબલ રોલ ભજવી અનોખા અંદાજમાં જોવા મળી હતી. તેમને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી પણ સન્માનવામાં આવ્યા હતા. વર્ષ 2013માં પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રીદેવીએ અત્યાર સુધી લગભગ 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં હિંદી , તેલુગુ, તામિલ અને મલયાલમ ફિલ્મો પણ સામેલ છે. શ્રીદેવીએ ભલે દુનિયાને અલવિદા કરી હોય, પણ તેમની ફિલ્મો હંમેશા ચાહકો માટે જીવંત રહેશે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક