શક્તિપીઠ અંબાજી ખાતે આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
Live TV
-
પરિક્રમા મહોત્સવનો પ્રારંભ :
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા મહોત્સવના સમયગાળા દરમિયાન વિવિધ મંડળો અને ભજન સત્સંગ મંડળો દ્વારા 51 51 શક્તિપીઠો ખાતે ભજન સત્સંગ કરવામાં આવશે.
જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન- બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે પાલનપુર કલેકટર કચેરીથી પાંચ 'શક્તિરથો'નું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું અંબાજી ખાતે આગમન શરૂ થઇ ગયું છે. અંબાજી ખાતે પરિક્રમામાં આવનારા ભક્તો માટે એસટી નિગમ દ્વારા વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગર અને અમદાવાદથી વિનામૂલ્યે બસમાં પરિક્રમાર્થીઓને મુસાફરી કરવા દેવાશે.
51 શક્તિ પીઠ :
ઉત્તર ભારતમાં 9 શક્તિપીઠ
1. કાશ્મીર કે અમરનાથ: જમ્મૂ-કાશ્મીરના અમરનાથમાં. અહીં માતાનો કંઠ પડ્યો હતો.
2. કાત્યાયની: વૃંદાવન, મથુરાના બુતેશ્વરમાં. અહીં કેશપાશ પડ્યો હતો.
3. વિશાલાક્ષી: ઉત્તર પ્રદેશના, વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર. જમણા કાનના મણિ પડ્યા હતા.
4. પ્રયાગ: ઉત્તર પ્રદેશના અલ્હાબાદ સ્થિત છે. અહીં માતાજીના હાથની આંગળીઓ પડી હતી.
5. જ્વાળામુખી: હિમાચલ પ્રદેશના કાંગડામાં સ્થિત છે. અહીં સતીની જીભ પડી હતી.
6. જાલંઘ્ર: પંજાબના જાલંધરમાં છે. અહીં માતાનું વામસ્તન પડ્યુ હતું.
7. દેવીકૂપ પીઠ કુરુક્ષેત્ર: હરિયાણાના કુરુક્ષેત્ર જંકશન નજીક દ્વૈપાયન સરોવર પાસે આવેલું છે. તેની શ્રીદેવીકૂપ ભદ્રકાલી પીઠ નામે પણ માન્યતા છે. અહીં માતાનો જમણો પગ પડ્યો હતો.
8. મગધ: બિહારની રાજધાની પટણા સ્થિત પટનેશ્વરી દેવીને જ શક્તિપીઠ મનાય છે. અહીં માતાજીના શરીરની જમણી સાથળ પડી હતી.
9. માનસ શક્તિપીઠ : તિબેટના માનસરોવર કિનારે આવેલું છે. માતાની જમણી હથેળી પડી હતી.પશ્ચિમ ભારતમાં 5 શક્તિપીઠ
10. કરવીર: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં માતાનું ત્રિનેત્ર પડ્યું હતું. અહીં મહાલક્ષ્મીનું નિજ નિવાસ માનવામાં આવે છે.
11. જનસ્થાન: મહારાષ્ટ્રના નાસિકના પંચવટીમાં. માતાની દાઢી પડી હતી.
12. અંબાજી: ગુજરાતના અંબાજીમાં, અહીં માતાનું ઉદર પડ્યુ હતું.
13. મણિવેદિકા: રાજસ્થાનના પુષ્કરમાં. ગાયત્રી મંદિરના નામે જાણીતું છે. અહીં કાંડા પડ્યા હતાં.
14. વિરાટ અંબિકા: જયપુરના વૈરાટગ્રામમાં. અહીં સતીના 'ડાબા પગ'ની આંગળીઓ પડી હતી.દક્ષિણ ભારતમાં 5 શક્તિપીઠ
15. ગોદાવરી તટ: આંધ્ર પ્રદેશના કબ્બૂરમાં ગોદાવરી કિનારે. માતાના ડાબા ગાલ પડ્યા હતાં.
16. શુચીન્દ્રમ: તમિલનાડુ, કન્યાકુમારી પાસે ત્રિસાગર સંગમ સ્થળે, જ્યાં સતીના ઊપરના દાંત પડ્યા હતા.
17. શ્રી શૈલ: આંધ્રપ્રદેશના કુર્નૂલની પાસે. માતાની ગરદન પડી હતી.
18. કાંચી: તમિલનાડુના કાંચીવરમમાં. અહીં માતાનું કંકાલ પડ્યુ હતું.
19. કણ્યકાશ્રમ કન્યાકુમારી: તમિલનાડુના કન્યાકુમારી પાસે ત્રણ સાગર હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળના અખાતના સંગમ પર. અહીં માતાની પીઠ મતાન્તરથી ઊર્ધ્વદન્ત પડ્યા હતા.પશ્ચિમ બંગાળમાં 10 શક્તિપીઠ
20. કિરીટ: હુગલી નદીના કિનારે લાલબાગ કોટ પર. અહીં કિરીટ એટલે કે મુગટ પડ્યો હતો.
21. અટ્ટહાસ: લાભપુરમાં છે. નીચેનો હોઠ પડ્યો હતો.
22. નન્દીપુર: સૈન્થયામાં છે. અહીં કંઠહાર પડ્યો હતો.
23. નલહટી: બોલપુરમાં ઉદરનળી પડી હતી.
24. બહુલા: કટવા જંક્શન નજીક કેતુગ્રામમાં છે. અહીં માતાનો ડાબો હાથ પડ્યો હતો.
25. ત્રિસ્તોતા: જલપાઇગુડીના શાલવાડી ગામમાં તીસ્તા નદી પર. માતાનો ડાબો પગ પડ્યો હતો.
26. વિભાષ: મિદનાપુરમાં છે. અહીં ડાબી ઘૂંટી પડી હતી.
27. યુગાદ્યા: બર્દમાન જિલ્લાના ક્ષીરગ્રામમાં છે. અહીં સતીના જમણા પગનો અંગુઠો પડ્યો હતો.
28. કાલીઘાટ: કાલીમાતા મંદિર નામે પ્રખ્યાત છે. ડાબા પગના અંગુઠા સિવાય 4 આંગળીઓ પડી હતી.
29, વર્કેશ્વર: સિન્થેયામાં છે. અહીં મન પડ્યુ હતું.પૂર્વોત્તર ભારતમાં 5 શક્તિપીઠ
30. કામાખ્યા: ગુવાહાટીનો કામગિરી પર્વત. યોનિદેશ પડ્યો હતો.
31. જયન્તી: મેઘાલયની જયન્તિયા પહાડી. ડાબી સાથળ પડી હતી.
32. ત્રિપુરસુન્દરી: ત્રિપુરાના રાધ કિશોરી ગ્રામમાં. જ્યાં માતાનો જમણો પગ પડ્યો હતો.
33. વિરજાક્ષેત્ર, ઉત્કલ: ઓડિશાના પુરી અને યાજપુરમાં મનાય છે, જ્યાં માતાજીની નાભી પડી હતી.
34. વૈદ્યનાથ : ઝારખંડના ગિરિડીહ, દેવઘરમાં છે. અહીં માતાનું હૃદય પડ્યુ હતું. માન્યતા છે કે સતીના દાહ-સંસ્કાર અહીં થયા હતા.મધ્ય પ્રદેશમાં 2 શક્તિપીઠ
35. ઉજ્જયિની: મધ્ય પ્રદેશના ઉજ્જૈનના ક્ષિપ્રાના બંને કિનારે. માતાની કોણી પડી હતી.
36. શોણ: મધ્ય પ્રદેશના અમરકંટકનું નર્મદા મંદિર, અહીં માતાનું જમણું નિતંબ પડ્યું હતું. આ પણ માન્યતા છે કે બિહારના સાસારામનું તારાચંજી મંદિર જ શોણ સ્થિત શક્તિપીઠ છે.પાકિસ્તાન સહિત 4 દેશમાં 8 શક્તિપીઠ
37. લંકા: શ્રીલંકામાં છે, અહીં નૂપુર પડ્યા હતા. સ્થળની જાણકારી નથી.
38. ગંડકી: નેપાળમાં ગંડકી નદીના ઉદગમ પર. સતીના ગાલ પડ્યા હતા.
39. ગુહ્યેશ્વરી: નેપાળના કાઠમાંડૂ સ્થિત પશુપતિનાથ મંદિર પાસે. બને ઘૂંટણ પડ્યા હતા.
40. હિંગળાજ: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાંં છે. માતાનું બ્રહ્મરન્ધ્ર પડ્યુ હતું.
41. સુગંધ: બાંગ્લાદેશના ખુલનામાં સુગંધ નદીના કિનારે છે. અહીં માતાની નાસિક પડી હતી.
42. કરતોયાઘાટ: બાંગ્લાદેશના ભવાનીપુરના બેગડ઼ામાં કરતોયા નદી કિનારે. માતાનું ડાબું તલ્પ પડ્યું હતું.
43. ચટ્ટલ: બાંગ્લાદેશના ચટગાંવમાં. જમણો હાથ પડ્યો હતો.
44. યશોર: બાંગ્લાદેશના જૈસોર ખૂલનામાં. અહીં ડાબી હથેળી પડી હતી.એ 7 શક્તિપીઠ જેના પર મતભેદ છે
45. શ્રી પર્વત શક્તિપીઠ: કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ પીઠનું મૂળ સ્થળ લદ્દાખ છે, કેટલાક માને છે કે તે આસામના સિલહટમાં છે.
46. પંચ સાગર શક્તિપીઠ: આ શક્તિપીઠનું કોઇ નિશ્ચિત સ્થળ જાણકારીમાં નથી.
47. ભૈરવ પર્વત શક્તિપીઠ: કેટલાક ગુજરાતના ગિરનાર નજીક ભૈરવ પર્વતને તો કેટલાક મધ્ય પ્રદેશના ઉજ્જૈન નજીક ક્ષિપ્રા નદીના કિનારા પર તેને માને છે.
48. મિથિલા શક્તિપીઠ: નેપાળના જનકપુર, બિહારના સમસ્તીપુર અને સહરસામાં તેનું સ્થળ મનાય છે.
49. રત્નાવલી શક્તિપીઠ: કહેવાય છે કે તમિલનાડુના ચેન્નઇમાં ક્યાંક આવેલું છે.
50. કાલમાધવ શક્તિપીઠ: આ શક્તિપીઠ વિશે કોઇ નિશ્ચિત સ્થળની જાણકારી નથી.
51. રામગિરી શક્તિપીઠ: રામગિરી શક્તિપીઠ કેટલાક લોકો મધ્યપ્રદેશના મૈહરમાં હોવાનું માને છે. કેટલાક લોકો ચિત્રકૂટના શારદા મંદિરને શક્તિપીઠ માને છે.આદિ શક્તિપીઠોની સંખ્યા 4 મનાય છે.
કાલિકાપુરાણમાં શક્તિપીઠોની સંખ્યા 26 ગણાવાઇ છે.
શિવચરિત્ર અનુસાર શક્તિપીઠોની સંખ્યા 51 છે.
તંત્ર ચૂડામણિ, માર્કન્ડેય પુરાણ અનુસાર શક્તિપીઠ 52 છે.
ભાગવતમાં શક્તિપીઠોની સંખ્યા 108 ગણાવાઇ છે.