આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાશે
Live TV
-
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજથી રાજકોટમાં રમાશે. સિરીઝની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 28 રને હરાવ્યું હતું. આ દરમિયાન વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરીને ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.. આવી સ્થિતિમાં સિરીઝની ત્રીજી મેચ ઘણી મહત્વની બની રહી છે. આ મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં શરૂ થશે.
અત્યાર સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં માત્ર બે ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ એક મેચ જીતી છે અને એક મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ પણ રમી હતી જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. રાજકોટના આ મેદાનમાં ભારતે સૌથી વધુ સ્કોર (649/9) બનાવ્યો છે. બીજી તરફ સૌથી નાનો સ્કોર (181/10) વેસ્ટ ઈન્ડિઝના નામે છે.
આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 500 વિકેટથી માત્ર એક ડગલું દૂર છે. આ સાથે જ ઈંગ્લેન્ડનો દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસન 700 વિકેટ લેનારો ત્રીજો બોલર બની શકે છે. આ સિવાય સ્ટોક્સ તેની કારકિર્દીની 100મી મેચ રમશે અને 200 વિકેટ પૂરી કરી શકશે.