અદાણીના FPOની દેશના આર્થિક પાયા અને અર્થવ્યવસ્થા પર નથી પડી કોઈ અસર: નિર્મલા સીતારમણ
Live TV
-
વર્ષ 2023 -24 ના બજેટની જાહેરાત બાદ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને મુંબઈમાં હિતધારકો સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી. આ પહેલા પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, સરકાર પ્રત્યક્ષ કર અને તેની વ્યવસ્થાને સરળ બનાવવા સતત પ્રયત્ન કરી રહી છે. હિતધારકો સાથે બજેટ 2023-24 ને લઈને ચર્ચા કરતાં તેમણે કહ્યું કે, સરકારની નીતિઓને લઈને સતત વિકાસ થઈ રહ્યો છે અને તેનો મોટો લાભ લોકોને મળી રહ્યો છે. સાથે જ નાણામંત્રીએ જણાવ્યું કે, અદાણીના FPOની દેશના આર્થિક પાયા અને અર્થ વ્યવસ્થા પર કોઈ અસર પડી નથી. દેશની નિયામક સંસ્થાઓ સ્વતંત્ર છે અને તે પોતાનું કામ કરી રહી છે. નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં વિદેશી મુદ્રા ભંડારમાં 8 મિલિયન ડોલરનો વધારો થયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, FPO તેઓ આવે છે અને જાય છે અને તમામ બજારોમાં આ ઉતાર-ચઢાવ હોય છે. તેમણે કહ્યું કે અદાણી મુદ્દે નિયમનકારો પોતાનું કામ કરી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેનું નિવેદન આપ્યું છે અને અગાઉની બેંકો અને જીવન વીમા નિગમે તેમના રોકાણની માહિતી આપી છે. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, નિયમનકારો સરકારથી સ્વતંત્ર છે અને બજારને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં લેવાનું તેમના પર છોડી દેવામાં આવ્યું છે.
