શંખ અને સમુદ્રી વસ્તુઓનું ઉત્પાદન કેન્દ્ર બન્યું તીર્થ ક્ષેત્ર સોમનાથ
Live TV
-
છેલ્લા કેટલાક વર્ષોથી સોમનાથ શંખ,ગોમતી ચક્ર અને શંખ માંથી બનતી વિવિધ પૂજા અને અલંકારિક આઇટમોનું મોટું હબ બન્યું છે
શંખ અને સમુદ્રી વસ્તુઓનું ઉત્પાદન કેન્દ્ર બન્યું તીર્થ ક્ષેત્ર સોમનાથ...ઘર સુશોભનની વસ્તુથી લઈને છીપલા, કોડી, ઘુઘરી,માળા અને સમુદ્રી પથ્થરનો ઉપયોગ કરી ગૃહ સજાવટ માટે અનેક વસ્તુઓ બને છે સોમનાથમાં...સેંકડો લોકોને આ ઉદ્યોગ દ્વારા રોજગારી પણ મળી રહે છે...દાદા સોમનાથનાં દર્શને આવતા શિવભક્તો અહીંથી યાદગીરી રૂપે ઘણી વસ્તુઓ લઈ જાય છે. કરોડો લોકોની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર દર્શનીય અને પ્રવાસન યાત્રાધામ તો છે જ સાથોસાથ હજ્જારો લોકો માટે રોજગારીનું કેન્દ્ર પણ છે.અહીં નાનામાં નાના ફોટોગ્રાફર, ફૂલ વેચી પેટિયું રળનારા થી લઈને કરોડોનો હોટેલ વ્યવસાય પણ અહીં ચાલે છે.દાદા સોમનાથ અહીં સૌને રોજગારી પુરી પાડે છે.તેમાં પણ ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી સોમનાથ શંખ,ગોમતી ચક્ર અને શંખ માંથી બનતી વિવિધ પૂજા અને અલંકારિક આઇટમોનું મોટું હબ બન્યું છે.અહીં શંખ અને સમુદ્રી છીપ તેમજ પથ્થરો માંથી બનતી વિવિધ વસ્તુઓ દેશ અને વિદેશમાં પણ જાય છે. અહીં મોટાભાગનો શંખનો કાચો માલ રામેશ્વરમથી આવે છે.રામેશ્વરમ શંખ ઉત્પાદન અને સપ્લાય માટેનું સમગ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે.આ ઉપરાંત સાઉથ આફ્રિકા,મોઝામ્બિક, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને શ્રીલંકાથી કાચા માલ સ્વરૂપે શંખ સોમનાથ આવે છે.અહીં આ શંખને બે દિવસ સુધી પાણીમાં પલાળીને રાખવામાં આવે છે જેથી તેમાંથી સમુદ્રી ધૂળ અને માટી સાફ થઈ જાય.ત્યાર બાદ તેને એસિડથી સાફ કરવામાં આવે છે.ફરી ધોઈને સૂકવવામાં આવે છે.આખરે તેને બફિંગ અને પોલીશીંગ કરી માર્કેટમાં વહેંચાણ અર્થે મુકવામાં આવે છે.અથાગ પરિશ્રમ બાદ અહીં 60 થી 70 પ્રકારનાં શંખ તૈયાર થાય છે.અહીં બનેલા શંખ ઓરીજીનલ જ હોય છે.માત્ર સમુદ્ર માંથી નીકળેલા શંખને લાંબી પ્રોસેસ કરી સાફ કરી પોલિશ કરવામાં આવે છે.શંખ ક્યારેય પાવડર માંથી કે અન્ય કોઈ વસ્તુ માંથી બનતા નથી.તે તો માત્ર સમુદ્ર દેવ જ બનાવી શકે છે.સોમનાથનાં સમુદ્રમાં ઉત્પાદિત ગોમતી ચક્ર બારેય જ્યોતિર્લિંગ નેપાળ પશુપતિ નાથ અને અન્ય દેવાલયો માં જાય છે.તો સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ અહીં પોલિશ થયેલા શંખ મોકલવામાં આવે છે.એકંદરે હીરાની જેમ અહીં રફ શંખ લાવવામાં આવે છે તૈયાર કરી સમગ્ર દેશ વિદેશમાં મોકલવામાં આવે છે.આમ સોમનાથ હવે શંખ અને સમુદ્રી વસ્તુઓનું વેપાર અને વેચાણનું હબ બની રહ્યું છે.
સોમનાથ જ્યારે શંખ ઉત્પાદન અને વેચાણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે ત્યારે અહીં સ્થાનિક વેપારીઓ અને દ્વારકા તેમજ દેશના અન્ય ભાગો માંથી પણ અનેક વેપારીઓ અહીં શંખ અને ગોમતી ચક્ર ખરીદવા માટે આવે છે.અહીં વિષ્ણુ શંખ જમણો પંચમુખી શંખ,ત્રદા શંખ લક્ષ્મી કોડી,દરિયાઈ શંખ છીપલાનાં તોરણ,શંખની વીટી, હેરપીન ઇમિટેશન આઈટમો મોતી માળા પેન્ડલ ભારતનાં દ્વારકાથી રામેશ્વર,કન્યાકુમારી,કાકીનાડા ત્રિવેન્દ્રમ,તળાજા તેમજ વિદેશમાં મેક્સિકો,ઇન્ડોનેશિયા,ફિલિપાઇન્સ સુધી તૈયાર કરીને મોકલવામાં આવે છે.તો સોમનાથથી દ્વારકા દીવ માધવપુર નેપાળ હરિયાણા,કાશી તિરુપતિની તીર્થ બજારો માં પણ સોમનાથના શંખ અને શંખ ઉત્પાદિત વસ્તુઓ વેચાય છે.સમુદ્રને રત્નાકર પણ કહેવામાં આવે છે.દરિયાઈ પેટાળ માંથી અનેક રત્નો પણ મળી આવે છે.લક્ષ્મી શંખ અને વિષ્ણુ શંખ ઘરમાં રાખવાથી લક્ષ્મીજીની કૃપા બની રહે છે અને ધનમાં વધારો થાય છે.આથી આ શંખની માંગ વધારે રહે છે.સોમનાથમાં શંખનું ઉત્પાદન વેપાર અને વાણિજ્યને કારણે હજ્જારો લોકોને રોજગારી મળે છે.
