સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો કર્યો
Live TV
-
વરિષ્ઠ નાગરિકોની બચત યોજના પર 8 ટકાના બદલે 8.2 ટકા વ્યાજ મળશે
સરકારે આ વર્ષે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા માટે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે માહિતી આપી છે કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ-એનએસસી પર મહત્તમ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. તે 7 ટકાથી વધીને 7.7 ટકા થયો છે. સુકન્યા સમૃદ્ધિ બચત યોજના પર વ્યાજ દર હવે 8 ટકા થઈ ગયો છે, જે પહેલા 7.6 ટકા હતો. PPF અને સેવિંગ્સ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દરો 7.1 અને 4 ટકા છે.
વરિષ્ઠ નાગરિકોની બચત યોજના પર 8 ટકાના બદલે 8.2 ટકા વ્યાજ મળશે. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.2 ટકાથી વધારીને 7.5 ટકા કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રની પાકતી મુદત 120 મહિનાથી ઘટાડીને 115 મહિના કરવામાં આવી છે. એક વર્ષની મુદત માટે 6.6 ટકાને બદલે 6.8 ટકા, બે વર્ષની મુદત માટે 6.8 ટકાને બદલે 6.9 ટકા, ત્રણ વર્ષની મુદત માટે 6.9 ટકાને બદલે 7 ટકા અને પાંચ વર્ષ માટે 7 ટકાને 7.5 ટકા વ્યાજ મળશે.
પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર નવા ક્વાર્ટરમાં 6.2 ટકા વ્યાજ મળશે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ-PPF પર વ્યાજ દર 7.1 ટકા પર યથાવત છે. બચત ખાતા પર વ્યાજ દર પણ પહેલાની જેમ 4 ટકા રહેશે. માસિક આવક યોજના પર વ્યાજ દર 7.1 ટકાથી વધારીને 7.4 ટકા કરવામાં આવ્યો છે. છેલ્લા ક્વાર્ટરમાં પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. નાની બચત યોજનાઓ માટે વ્યાજ દર ત્રિમાસિક રૂપે સૂચિત કરવામાં આવે છે.
