G20 : B20ની બેઠક સુરતમાં શરૂ, કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહ્યા ખાસ ઉપસ્થિત
Live TV
-
ભારતના G20 પ્રેસિડેન્સીના ભાગરૂપે B20 મીટિંગ આજે સુરતમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં શરૂ થઈ ગઈ છે. B20 ખાતે વૈશ્વિક વ્યાપારી નેતાઓને સંબોધતા મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત માત્ર વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની નથી પરંતુ રોકાણના મુખ્ય સ્થળ તરીકે પણ ઉભરી આવ્યું છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા સરકારની પ્રતિબદ્ધતાને સમર્થન આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, પાછલા નવ વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લાં નવ વર્ષો દરમિયાન ઉદ્યોગોના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે.ભારત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શ્રેષ્ઠતાનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે.
કેન્દ્રીય મંત્રીએ દેશના ગ્રીન મેરીટાઇમ સેક્ટરની વૃદ્ધિ અને રિવર ક્રૂઝના વિકાસ, દરિયાઈ વેપારની વૃદ્ધિ તેમજ દેશમાં પરંપરાગત આયુષ દવાના નોંધપાત્ર વિકાસની પણ માહિતી આપી હતી. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બિઝનેસ લીડર્સને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ગુજરાતમાં ઉદ્યોગોની સંભાવના વિશે જાણકારી આપી હતી.
બેન્કિંગ, ટેક્સટાઈલ, ફાઈનાન્સ અને ડાયમંડનું પ્રતિનિધિત્વ કરતા G20 દેશોના લગભગ 200 પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ મીટિંગ બિઝનેસ લીડર્સ માટે વિવિધ બિઝનેસ આર્થિક વિષયો પર તેમની આંતરદૃષ્ટિ અને નીતિ ભલામણો શેર કરવાની તક પૂરી પાડશે. મીટિંગના પ્રથમ પૂર્ણ સત્રમાં વૈશ્વિક મૂલ્ય શૃંખલા માટે વેપાર, હીરા, કાપડ અને રાસાયણિક ઉદ્યોગોમાં રોકાણ માટેની તકો અંગે ચર્ચા કરવામાં આવશે.
