હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે સુપ્રસિદ્ધ સોમનાથ તીર્થ
Live TV
-
વૈશ્વિક મહામારી કોવિડ-19ની ત્રીજી લહેર મંદ પડી છે ત્યારે બે વર્ષ બાદ આ વર્ષે રાજ્યભરમાં મહાશિવરાત્રી પર્વની કરાશે ઉજવણી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શિવરાત્રીનું પર્વ ધામધુમથી ઉજવાશે. જેના માટે સોમનાથ ટ્રસ્ટે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. આ વર્ષે કોવિડ ગાઈડલાઈનમાં છુટછાટ અપાતા મોટી સંખ્યામાં ભક્તો ભોળિયાનાથના દર્શન માટે આવે તેવી પૂર્ણતઃ સંભાવના સેવાઈ રહી છે. શિવરાત્રી મહા પર્વ દરમિયાન સોમનાથ મંદિર સળંગ 42 કલાક દર્શન માટે ખુલ્લુ રહેશે. ચારેય પ્રહરની આરતી, દર્શન અને મહાપૂજા પણ કરવામાં આવશે. આરતી દરમિયાન ભક્તોએ ચાલતા-ચાલતા દર્શન કરવાના રહેશે. પરંતુ આ તમામની વચ્ચે ભક્તોએ કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવું પડશે.
મહાશિવરાત્રી પર્વને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ ભક્તોને આવકારવા આતુર છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. ભાવિકોએ ત્યાંથી મંદિર સુધી પહોંચવાનું રહેશે. આ માટે ટ્રસ્ટ દ્વારા બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વયસ્ક નાગરિકો અને દિવ્યાંગો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર તરફ જતો મુખ્ય રસ્તો એક માર્ગીય કરવામાં આવ્યો છે. શિવરાત્રીને દિવસે પહેલી માર્ચે સવારે 4.00 કલાકે મંદિરનાં કપાટ ખુલી જશે. જે સતત 42 કલાક ખુલ્લા રહેશે.તો 4 પ્રહરની આરતી અને મહાપૂજા નિયત સમયે થશે.
મહા શિવરાત્રી પર્વ સોમનાથ દર્શને આવતા યાત્રિકો માટે આમ તો દરેક સુવિધા પહેલેથી જ શરૂ છે. છતાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીવાનું પાણી,સ્વચ્છતા બાબતે ખાસ તકેદારી લેવાઈ રહી છે.આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ યોજાશે. જે નવા રામ મંદીર ઓડિટોરીયમ ખાતે યોજાશે. જેનું વિવિધ માધ્યમો દ્રારા લાઈવ પ્રસારણ પણ થશે. લોકોએ આ કાર્યક્રમ ઓનલાઈન માણવાનો રહેશે. પ્રસાદના કાઉન્ટર પણ વધારવામાં આવ્યા છે. યાત્રિકોને કોઈપણ પ્રકારે અગવડ ન પડે તેની કાળજી લેવાઈ રહી છે. આમ સોમનાથમાં સંયમ નિયમ સાથે શિવરાત્રી પર્વની ભક્તી સાથે ઊજવણી કરાશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષ સોમનાથમાં મહાશિવરાત્રીનું આયોજન ભવ્ય અને દિવ્ય રીતે થશે. પરંતુ ચાલુ વર્ષે શિવ ભક્તોએ એક વાત નો ચોક્કસ ખ્યાલ રાખવો પડશે કે કોરોના હજુ ગયો નથી ત્યારે શિવરાત્રી પર આવતા શિવ ભક્તોએ સરકાર અને ટ્રસ્ટની ગાઈડલાઈનનું સુસ્ત પણે પાલન કરવું પડશે. ભાવિકો ઓનલાઈન ૐ નમઃ શિવાયનાં મંત્ર જાપ પણ શિવરાત્રીને દિવસે ટ્રસ્ટ સાથે જોડાઈને કરી શકશે.
