ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનથી 51 વિદ્યાર્થીઓ પહોંચ્યા અમદાવાદ
Live TV
-
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતી વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે. ભારત સરકારે શરુ કરેલા 'ઓપરેશન ગંગા' અંતર્ગત યુક્રેનમાં યુદ્ધ વચ્ચે અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યાં છે. વિદેશ મંત્રાલય સતત યુક્રેનમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે કાર્યરત છે. ગુજરાતથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેઓને ક્રમશઃ પરત લાવવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આજે મુંબઈ અને દિલ્લી આવેલી ફ્લાઈટમાં ગુજરાતના 76 વિદ્યાર્થીઓ પરત આવી પહોંચ્યા હતા. જેમાંથી 51 વિદ્યાર્થીઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા.
અમદાવાદ આવેલા તમામ વિદ્યાર્થીઓનું રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજેન્દ્ર ત્રિવેદી, કુબેરભાઈ ડીંડોર તેમજ અમદાવાદ કલેક્ટરે સ્વાગત કર્યું હતું. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. ઘણા દિવસોથી પોતાના સંતાનોની આતુરતાથી રાહ જોઈ રહેલા પરિવારજનોની આંખોમાં હરખના આંસુ ઉભરાઈ આવ્યા હતા. તો પરિવારજનો અને વિદ્યાર્થીઓએ સરકારનો આભાર માન્યો હતો. અમદાવાદથી તમામ વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલવાની પણ વ્યવસ્થા કરી છે. આ તકે મંત્રી જીતુ વાઘાણીએ અન્ય વિદ્યાર્થીઓ જે યુક્રેનમાં અટવાયેલા છે તેમને પણ ઝડપથી સ્વદેશ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
