અંબાજીથી પાલનપુર વચ્ચે નવી રાત્રિ એસટી બસ સેવા શરૂ
Live TV
-
અંબાજીથી પાલનપુર વચ્ચે નવી રાત્રિ એસટી બસ સેવા શરૂ, મોંઘા ભાડામાંથી મળશે મુક્તિ
પ્રસિદ્ધ શ્રદ્ધાધામ અંબાજી આવતા યાત્રિકો અને સ્થાનિક રહીશો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી લોકમાગને ધ્યાનમાં રાખીને આજથી અંબાજીથી પાલનપુર વચ્ચે રાત્રિ એસટી બસ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે.
મુસાફરોને શું થશે ફાયદો?
અંબાજી ડેપોના ટ્રાફિક કન્ટ્રોલર નરેન્દ્રસિંહ બારડ દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, આજથી અંબાજીથી પાલનપુર માટે રાત્રે 8:00 વાગ્યે ઓર્ડિનરી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. અગાઉ અંબાજી ખાતે રાત્રે 7:00 વાગ્યા પછી પાલનપુર તરફ જવા માટે કોઈ જ બસ સેવા ઉપલબ્ધ ન હતી. જેના કારણે મોડેથી પહોંચતા યાત્રિકો કે નોકરીયાતોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
મોડી સાંજ પછી બસ ન મળવાને કારણે અનેક યાત્રિકોએ નાછૂટકે અંબાજીમાં રોકાણ કરવું પડતું હતું અથવા તો ખાનગી વાહનોનો ભારેખમ ભાડા ખર્ચીને સહારો લેવો પડતો હતો. હવે માત્ર સામાન્ય એસટી બસના ભાડામાં જ આ સુવિધા મળી રહેવાથી મુસાફરોની નાણાકીય બચત થશે.
યાત્રિકોમાં ખુશીનો માહોલ
રાજ્ય સરકાર અને એસટી નિગમ દ્વારા લેવાયેલા આ પગલાથી અંબાજી-પાલનપુર રૂટ પર મુસાફરી કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને માતા અંબાના દર્શનાર્થીઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. નિયમિત અને સુરક્ષિત રાત્રિ બસ સેવા શરૂ થવાથી મુસાફરો હવે કોઈપણ ચિંતા વિના સરળતાથી મુસાફરી કરી શકશે.
