અમદાવાદઃ મચ્છરજન્ય રોગમાં વધારો, AMCએ સફાઈ અને ફોગિંગ પર મૂક્યો ભાર
Live TV
-
રોગચાળાએ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ માથું ઉંચક્યું, સોસાયટી અને અન્ય એકમોને નોટિસ
ચોમાસામાં ભારે વરસાદને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. હવે મોટાભાગના રાજ્યોમાં મહદઅંશે સ્થિતિ અંકુશમાં આવી છે પરંતુ ચોમાસા પછી વકરતા રોગચાળાએ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ માથું ઉંચક્યું છે. સિવિલ હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ મચ્છરજન્ય રોગનો ભોગ પામેલા દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રોગચાળાને ડામવા સફાઈ અને ફૉગિંગ પર ભાર મૂકાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને નાશ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા વિવિધ સૉસાયટી અને કૉમર્શિયલ એકમોને નૉટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરાના તળાવોમાં પણ પોરાંભક્ષક માછલીઓ છોડવામાં આવી હતી.
બીજી બાજુ ચોમાસા દરમિયાન ઋતુગત બીમારીઓને અંકૂશમાં રાખવા માટે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની આયુર્વેદ હોસ્પિટલની સરાહનીય કામગીરી સામે આવી છે. અહીં તાવ, શરદી, ખાંસી, મલેરીયા, ફ્લૂ, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા સહિતના રોગ સામે રક્ષણ આપે તે માટે અનેક પ્રકારની ઔષધીનો ઉકાળો વિનામુલ્યે આપવામાં આવી રહ્યો છે. દરરોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી વિનામૂલ્યે દર્દીઓને રક્ષા અમૃત પેય આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં યોગાભ્યાસ અને પંચકર્મની સારવાર પણ આપવામાં આવે છે.
