અમદાવાદના કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો પ્રારંભ
Live TV
-
38 પ્રદૂષણ રહિત અને ફાસ્ટ ચાર્જિંગની ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક બસ તથા ઈલેક્ટ્રીક બાઈક 'માય બાઇકનું' કર્યું લોકાર્પણ.ગુજરાત હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પણ આગળ રહે તે માટે સરકાર પ્રયત્નશીલ
હેરિટેજ સિટી અમદાવાદના કાંકરિયા ખાતે 25મી ડિસેમ્બરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાંકરિયા કાર્નિવલ 2019નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહયું હતું કે 'જ્યાં માનવી ત્યાં સુવિધા'ની નેમ સાથે વર્તમાન સરકાર જનસુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરવા કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ બી.આર.ટી.એસ. જનમાર્ગના મુસાફરોની સુવિધામાં વધારો કરતી 38 પ્રદૂષણ રહિત અને ફાસ્ટ ચાર્જિંગની ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક બસ તથા ઈલેક્ટ્રીક બાઈક 'માય બાઇકનું' પણ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રુ.1050 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ પ્રકલ્પોનુ ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના શહેરો ડેવલોપમેન્ટ ઈન્ડેક્સની સાથે હેપીનેસ ઇન્ડેક્સમાં પણ આગળ રહે તે માટે સરકાર પ્રયાસરત છે. અમદાવાદ શહેર મેયર બિજલબેન પટેલે સતત 11 વર્ષથી યોજાતા 'કાંકરિયા કાર્નિવલ 2019'માં આગામી દિવસોમાં રજૂ થનાર યોગ, હાસ્ય, સંગીત અને નાટ્ય પ્રસ્તુતિઓની વિગત આપી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદાપસિંહ જાડેજા, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, શહેર પોલીસ કમિશનર શ્રી આશિષ ભાટિયા અને અમદાવાદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
