અમદાવાદના કોટ વિસ્તાર તથા દાણીલીમડામાં આજથી 7 દિવસ માટે કરફ્યું, માત્ર 3 કલાક મળશે છૂટ
Live TV
-
રાજ્યના કુલ કોરોનાના કેસો પૈકી 50 ટકાથી વધુ કેસો અમદાવાદ શહેરના કોટ વિસ્તારના હોવાના કારણે સ્થિતી બેકાબુ બને તેવી શક્યતા હોવાના કારણે રાજ્ય સરકારે આ બાબતને ખુબ ગંભીરતાથી લઇ મહત્વનો નિર્ણય લીધો છે કે આજથી સાત દિવસ માટે શહેરના કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવશે.
જેમાં બપોરે 1 થી 4 દરમિયાન મહિલાઓને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લેવા માટે છુટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ પેરામીલેટ્રી ફોર્સની મદદ લઇ કોરાનાને ફેલાતો રોકવા માટે તંત્ર સજ્જ થયું છે.
આ તરફ ડીજીપી શીવાનંદ ઝાએ ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે કોરોના માહામારી સામે લડવા માટે ગુજરાત પોલીસના એક લાખ 20 હજાર જેટલા જવાનો છેલ્લા 21 દિવસથી તૈનાત છે ત્યારે આવનારા 19 દિવસોમાં હજુ એટલા જ જુસ્સાથી કામગીરી કરશે. તેમણે પોલીસ જવાનોને સંદેશો આપ્યો હતો કે, આ મહામારી સામે લડવુ એક મિશન છે, અને તેને ડ્યુટી નહીં પણ સેવા સમજીને નિભાવવી. આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતું કે એપીએમસીમાં આવતી કાલથી વધારાનો સ્ટાફ તૈનાત કરાશે તો બીન જરૂરી રીતે બહાર નિકળતા લોકોને તાકીદ કરી છે. જ્યારે અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે શહેરના કોટ વિસ્તાર એટલે કે શાહપુર, કારંજ, કાલુપુર, ખાડીયા, ગાયકવાડ હવેલી અને દરિયાપુર તેમજ દાણીલીમડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરફ્યુ રહેશે.
