અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સવાર સુધી બે ઇંચ વરસાદ
Live TV
-
અનેક વિસ્તારમાં ભરાયા પાણી, વાસણા બેરેજના ખોલાયા દરવાજા
અમદાવાદ શહેરમાં વહેલી સવારે 4થી 6 વાગ્યામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. સવારે ચાર વાગ્યા બાદ વીજ કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા હતા. ઓછા સમયમાં વધુ વરસાદ વરસતા અનેક સ્થળોએ પાણી ભરાયા. શહેરમાં ગઈ કાલ સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 51.92 મિમી (2 ઈંચ) વરસાદ નોંધાયો. જેમાંથી 44 મિમી જેટલો વરસાદ તો આજે સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન જ નોંધાયો છે. જેથી અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાઈ ગયું છે. હાઈટકેશ્વર, અમરાઈવાડી 132 ફુટના રિંગરોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો હાટકેશ્વરમાં આવેલ આઈશ્રી ખોડિયાર મંદિર (વાવ) સકુંલમા વરસાદી પાણી ભરાઈ ગયું છે. જોકે મંદિર સકુંલમા ચાલતા સમારકામને લઈને તે શ્રદ્ધાળુઓને દર્શન માટે અગાઉથી જ બંધ કરી દીધું હતું. ભારે વરસાદને પગલે ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનેક લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. મણિનગર ગોરના કુવા માર્ગ પરની અનેક સોસાયટીઓના રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સીટીએમ જામફળવાડી કેનાલ પાસેની પણ અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ભરાયા છે.
