અમદાવાદ અને સુરતમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, એરપોર્ટ અને સ્કુલ બન્યા નિશાન
Live TV
-
બોમ્બની ધમકી મળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં એરપોર્ટ અને સ્કુલને બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત છે. આ દિશામાં અમદાવાદ અને સુરતમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો, અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું, જયારે સુરતની વાત કરવામાં આવે તો ત્યાં સ્કુલને નિશાન બનાવવામાં આવી. બંને સ્થળોએ બોમ્બ મુક્યા હોવાની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. એરપોર્ટ ઓથોરિટીને એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે કહ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચને અમદાવાદ એરપોર્ટ અંગે બોમ્બ ધમકી આપતો ઈમેલ મળ્યો છે. શોધખોળ ચાલુ છે અને હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે છે.
જયારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જી.ડી.ગોએન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ધમકી મળતા જ જી.ડી.ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે. આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો છે. હાલમાં ડોગ-સ્કવોડ અને બોમ્બ-સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે. પોલીસ તપાસમાં છતું થયું કે, એકસાથે 159 સ્કૂલોને ધમકીભર્યો મેલ આવ્યો છે. જેમાં સુરતની બે શાળા છે. Outjacked50.@gmail.com પરથી સ્કૂલને રાત્રે 12:59 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો છે.
