અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચના JCP પર રીઢા ગુનેગારનો જીવલેણ હુમલો, પોલીસના વળતા પ્રહારમાં આરોપીને ગોળી વાગી
Live TV
-
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની ટીમે એક રીઢા આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ અર્થે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં હાજર ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર આરોપીએ અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાની ઘટનામાં JCPને ઈજા પહોંચી હતી. બીજી તરફ, પોલીસના વળતા પ્રહારમાં ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.
ગેરકાયદે હથિયારો રાખવા અંગેની બાતમીના આધારે, અમદાવાદના ઈસનપુરના રહેવાસી અને 30થી વધુ ગુનાનો ઈતિહાસ ધરાવતા હિસ્ટ્રીશીટર કલીમ નામના રીઢા ગુનેગારને ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 4 ગેરકાયદે હથિયારો પણ જપ્ત કરાયા હતા. આરોપીની ધરપકડ બાદ તેને સત્તાવાર પૂછપરછ માટે લવાયો હતો, જ્યાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) ક્રાઈમ અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરાઈ રહી હતી.
આ દરમિયાન આરોપી અચાનક પૂછપરછ કરી રહેલા અધિકારી પર હુમલો કરી દીધો હતો. જેમાં આરોપીએ છરીથી JCP પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેવામાં JCP એ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત પોલીસ અધિકારી અને આરોપી બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
JCPએ કહ્યું કે, 'ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બતાવતા PIને માહિતી હતી કે, કલીમ નામના એક હિસ્ટ્રીશીટર ગુનેગાર ચંડોળાનો રહેવાસી છે. જેમાં આરોપીએ ચંડોળામાં એક ઝૂંપડામાં ચાર હથિયાર છુપાવીને રાખ્યા છે. બાતમીના આધારે PI સહિતની ટીમે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ચાર વેપન અને કારતુસ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ઈ-સાક્ષી પંચનામું પણ કર્યું. આ કામગીરી દરમિયાન હું આ વિસ્તારમાંથી જતો હોવાથી હું પણ સ્થળ પર પહોંચ્યો હતો.'
વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'સ્વાભાવિક છે કે અમે જ્યારે એની પૂછપરછ કરતા હતા, ત્યારે એની બાજુમાં રસોડામાં પડેલી છરી(ચપ્પુ)થી એણે મારા ઉપર હમલો કર્યો હતો. જેમાં આરોપીએ મારી ગરદન પાસે એટેક કરવાની કોશિશ કરી, એટલે સ્વાભાવિક રીતે મારી બોડીના રિએક્શન તરીકે મેં મારો ડાબો હાથ ઉપર કર્યો અને ત્યાં એણે ચપ્પુથી હુમલો કર્યો. આ પછી આરોપી ખૂબ જ એગ્રેસિવ થઈ ગયો હતો. એવી પણ જાણવા મળ્યું છે કે, એણે ડ્રગ્સ લીધેલું હતું અને ડ્રગ્સના નશામાં હતો. પછી અમે એને કીધું કે તું ચપ્પુ ફેંકી દે, પણ એ માન્યો નહીં. આથી PIની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. આરોપી વિરૂદ્ધમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. એક ચાર વેપન માટે આર્મ્સ એક્ટનો કેસ અને બીજો કલમ 307 (હાફ મર્ડર)નો ગુનો દાખલ કર્યો છે.'
