અમદાવાદ ફ્લાવર શોની ટિકિટમાં વધારો: જાણો શું છે નવા દર અને પ્રાઇમ ટાઇમ સ્લોટ
Live TV
-
અમદાવાદ ફ્લાવર શોની ટિકિટમાં વધારો: જાણો શું છે નવા દર અને પ્રાઇમ ટાઇમ સ્લોટ
શહેરના આંગણે દર વર્ષે યોજાતો અને સહેલાણીઓમાં ભારે આકર્ષણ જમાવતો 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો' ફરી એકવાર રંગબેરંગી ફૂલો સાથે સજ્જ થવા જઈ રહ્યો છે. જોકે, આ વર્ષે ફ્લાવર શોની મુલાકાત લેવી થોડી મોંઘી પડશે. AMC ની રિક્રિએશન કમિટી દ્વારા ટિકિટના નવા દર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ગત વર્ષની સરખામણીએ 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
ટિકિટના નવા દરની વિગત
કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ મુલાકાતીઓ માટે નીચે મુજબના ભાવ નક્કી કરવામાં આવ્યા છે:
સોમવારથી શુક્રવાર: 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે ટિકિટનો દર 80 રૂપિયા (ગત વર્ષે 70 રૂપિયા હતો). શનિવાર અને રવિવાર: સપ્તાહાંત (વીકેન્ડ) અને જાહેર રજાઓના દિવસે ટિકિટનો દર 100 રૂપિયા રહેશે. સ્કૂલના બાળકો માટે: AMC સંચાલિત શાળાઓના બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક (ફ્રી) રહેશે. ખાનગી શાળાઓના બાળકો માટે (સોમ-શુક્ર, સવારે 9 થી 1 વાગ્યા સુધી) માત્ર 10 રૂપિયાનો દર નક્કી કરાયો છે. 12 વર્ષથી નીચેના બાળકો, દિવ્યાંગો અને સૈનિકો માટે પ્રવેશ ફ્રી રાખવામાં આવ્યો છે.
ભીડને નિયંત્રિત કરવા 'પ્રાઇમ ટાઇમ' સ્લોટની એન્ટ્રી
આ વર્ષે ફ્લાવર શોમાં સૌથી મોટો ફેરફાર 'પ્રાઇમ ટાઇમ' સ્લોટનો છે. જે મુલાકાતીઓ ભીડ વગર શાંતિથી ફૂલોની સુંદરતા માણવા માંગતા હોય, તેમના માટે ખાસ સ્લોટ જાહેર કરાયા છે. જેમાં સમય સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યો છે. આ ખાસ સમયગાળા માટે ટિકિટનો દર 500 રૂપિયા રાખવામાં આવ્યો છે.
મુખ્ય આકર્ષણો
જાન્યુઆરી માસમાં યોજાનારા આ ફ્લાવર શોમાં આ વર્ષે પણ વિદેશી ફૂલોની વેરાયટી, આકર્ષક સ્તૂપ, સેલ્ફી પોઈન્ટ્સ અને ફૂલોથી તૈયાર કરાયેલી વિભિન્ન પ્રતિકૃતિઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
