અમૃતકાળની અમૃત પેઢીના નિર્માણ માટે ગુજરાતનું મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ માઇલસ્ટોન પુરવાર થશે: પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ અભિયાન-મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ભારતના અમૃતકાળની અમૃત પેઢીના નિર્માણ તરફ ગુજરાતનું વિરાટ કદમ છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માઇલસ્ટોન પુરવાર થશે.
પ્રધાનમંત્રીએ અમદાવાદના અડાલજ ખાતેથી આ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ 5જી ટેકનોલોજીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તાજેતરમાં જ દેશ મોબાઇલ અને ઇન્ટરનેટની 5જી ટેકનોલોજીના યુગમાં પ્રવેશ્યો છે. ભારત દેશ ઇન્ટરનેટની 1 જીથી લઇને 4જી સુધીની સેવાઓનો ઉપયોગકર્તા રહ્યો છે. પરંતું હવે દેશમાં લાગુ કરાઇ રહેલી 5જી ટેકલોનોજી મોટો બદલાવ લાવશે. તેવો મત પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના માધ્યમથી 20 હજારથી વધુ સ્કૂલો શિક્ષાના 5 જી દોરમાં પ્રવેશ કરી રહી છે. તે અંતર્ગત 50 હજાર નવા ક્લાસ રૂમ, એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમને આધુનિક ઢબે વિકસિત કરવામાં આવશે, જે રાજ્ય શિક્ષણ વ્યવસ્થાની આધુનિક માળખાગત સુવિધાઓની સાથે બાળકોના જીવનમાં પણ વ્યાપક બદલાવ લાવવાની દિશામાં કામ કરશે. 5જી ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ શિક્ષણ વ્યવસ્થાના પરિણામે રાજ્યાના દૂરસૂદૂરના વિસ્તારોમાં શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શિક્ષણ ઉપલબ્ધ બનશે. રાજ્યના છેવાડાનાં બાળકો સુધી પણ શિક્ષણનું શ્રેષ્ઠ કન્ટેન્ટ રીયલ ટાઇમમાં પહોંચાડવું શક્ય બન્યું છે, તેમ જણાવીને રાજ્યમાં આંગણવાડીથી લઇ કેરીયર ગાઇડન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની જરૂરિયાતો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી પૂરી થશે તેવો ભાવ પ્રધાનમંત્રીને વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ વધુંમાં ઉમેર્યુ કે, ટેકનોલોજીની દરેક જનરેશનના બદલાવ સાથે આપણે જીવનશૈલીને જોડી છે. અલગ અલગ જનરેશન સાથેના દેશની સ્કૂલોના પણ પરિવર્તનોના આપણે સાક્ષી રહ્યાં છીએ. આજે 5જી સ્માર્ટ સુવિધા, સ્માર્ટ ટીચિંગ, ક્લાસરૂમથી આગળ વધીને શિક્ષા વ્યવસ્થાને અલગ સ્તરે લઇ જશે તેમ જણાવીને વર્ચુયઅલ રીયાલીટી, ઇન્ટરનેટ ઓફ થીંગની તાકાત વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ સરળ અને શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાનો અનુભવ કરાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને ગુણોત્સવના સંસ્મરણોને વાગોળતા કહ્યું કે, બે દશકમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યા છે. 20 વર્ષમાં ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓનો નામાંકન રેશિયો આજે ખૂબ જ ઊંચો ગયો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયો નહિવત થયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતે તાજેતરમાં શરૂ કરેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રશંસા કરતા જણાવ્યુ કે, વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આધુનિક સ્વરૂપ દેશના અન્ય રાજ્યો માટે મોડલરૂપ સાબિત થયું છે. આજે દેશના વિવિધ રાજ્યો –પ્રદેશોમાંથી શિક્ષણમંત્રીશ્રીઓ, અધિકારીઓએ આ સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇને સમગ્ર કાર્યપદ્ધતિની સમીક્ષા અને અધ્યયન કરી રહ્યાં છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની પળે પળની રીયલ ટાઇમ જાણકારી મેળવવાના અભિનવ પ્રયોગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની પહેલ હેઠળ રાજ્યના 1.25 કરોડ વિદ્યાર્થીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.તદ્ઉપરાંત બીગ ડેટા એનાલિસીસ, મશીન લર્નીગ, આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ તકનીક થી અધ્યયન કરીને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સુઝાવ આપીને તેના પર અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે.
શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવવા અને પ્રયોગો કરવા ગુજરાતના ડી.એન.એ.માં હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ટીચર્સ ઇન્સ્ટીટ્યુટ, ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના જેવા અનેકવિધ નવીન પ્રયોગ દ્વારા પ્રિ-સ્કૂલ એજ્યુકેશનને સમયાનુકુળ બનાવવાના ગુજરાતે પ્રયાસો હાથ ધર્યા છે. એક દશક પહેલાં ગુજરાતના 15 હજાર સ્કૂલોમાં ટેલિવિઝનના મારફતે અને 20 હજાર થી વધુ સ્કૂલોમાં કોમ્યુટર એડેડ લર્નીગ લેબના માધ્યમથી શિક્ષણ વ્યવસ્થા અભિન્ન અંગ બની હતી તેમ જણાવતા પ્રધાનમંત્રીએ ઉમેર્યુ કે, શિક્ષણ ક્ષેત્રે તકનીકી અભિગમને આગળ વધારતા આજે રાજ્યના 1 કરોડ થી વધુ વિદ્યાર્થીઓ અને 4 લાખ થી વધુ શિક્ષકોની હાજરી ઓનલાઇન પૂરાઇ રહી છે.
હાલમાં, કુલ રૂ. ૧,૬૫૦ કરોડના ખર્ચે ૭,૦૦૦ શાળામાં ૮,૦૦૦ વર્ગખંડો અને ૨૦,૦૦૦ અન્ય સુવિધાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે. વધુમાં, કુલ રૂ. ૨,૮૮૧ કરોડથી વધુના ખર્ચે ૪,૦૦૦થી વધુ શાળાઓમાં કુલ ૧૩,૫૦૦ વર્ગખંડો તેમજ અન્ય સંકુલો જેમકે છાત્રાલય, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વગેરે કાર્યોનો આરંભ ટૂંક સમયમાં થશે. ઉપરોક્ત પૈકી, આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓ માટે માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમાંથી 1,386 શાળાઓમાં 4,340 વર્ગખંડોના નિર્માણ માટે રૂ. 700 કરોડના કાર્યો આરંભ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે, 23,000 થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ સહિત 11,000થી વધુ શાળાઓમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે રૂ. 286 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. વધુમાં, 90,000 થી વધુ કમ્પ્યુટર્સ સાથે 6,000થી વધુ કોમ્પ્યુટર લેબ પ્રદાન કરવા માટે રૂ. 375 કરોડથી વધુના કામો પ્રગતિ હેઠળ છે. તેમજ 15,000 થી વધુ શાળાઓમાં 30,000 સ્માર્ટ ક્લાસરૂમ પ્રદાન કરવા રૂ. 350 કરોડ રૂપિયાથી વધુના કામો પણ ટૂંક સમયમાં આરંભ કરવામાં આવશે.
દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ મિશન કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર, મંત્રી કિર્તીસિંહ વાધેલા, ધારાસભ્ય શંભુજી ઠાકોર, મેયર હિતેશભાઇ મકવાણા, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
