આગામી બે દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
તારિખ 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબરના રોજ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી-ભાવનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આજથી બે દિવસ એટલે કે તારિખ 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબરમાં ગુજરાતના અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની હવમાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જોકે ગુજરાતમાં હજુ સુધી ક્યાંય વરસાદ નોંધાયો નથી.
દક્ષિણ ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. તેલંગાણા બાદ હવે મુંબઈમાં આજે રેડ એલર્ટ અપાયુ છે. ગઈકાલથી જ શરૂ થયેલા ભારે વરસાદને પગલે મુંબઈના બાયકુલા, હિંદમાતા, કુર્લા, કિંગ સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુંબઈ-પૂણેના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે. તો બારામતી જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. આ ઉપરાંત લાટુર, શોલાપુરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતા એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ માટે પહોચી છે. ગોવા,આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગૃપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલે આ અંગેની માહિતી આપી હતી.
રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને હર્ષદ પટેલે જણાવ્યુ કે, રાજયમાં અત્યાર સુધી તા.15/10/2020 અંતિત 1122.25 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 135.05 ટકા છે.
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં 2,93,503 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૭.૮૫ ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં 5,35,298 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 96.10 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-173 જળાશય, એલર્ટ ૫ર કુલ-10 જળાશય તેમજ વોર્નીગ ૫ર 05 જળાશય છે.
