આગામી 16-17 જુલાઈએ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
દક્ષિણ ગુજરાતના નવસારીમાં વરસાદ તો ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં હજી લોકો જોઈ રહ્યાં છે વરસાદની રાહ- મધ્ય ગુજરાતમાં થયો આંશિક વરસાદ
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈકાલ સાંજથી જ છુટો છવાયો વરસાદ શરૂ થયો છે. નવસારી શહેર સહિત જીલ્લાના જલાલપોરમાં 2 ઇંચ તો નવસારી તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. જેમાં ગણદેવી અને ચીખલીમાં 1-1 ઇંચ વરસાદ થયો હતો. વરસાદને લીધે નવસારી- વિજલપોર શહેરમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.
નવસારી જીલ્લામાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં વાવણી તરફ જોતરાયા છે. એ જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘરાજા ફરીવાર મહેર કરી છે.
છેલ્લાં 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં 4 ઇંચ, ગીરગઢડામાં 4 ઇંચ, સુરત શહેરમાં 3.5 ઇંચ, મોરબી, કામરેજ, જુનાગઢ અને વલસાડમાં 2-2 ઇંચથી વધુ વરસાદ થયો હતો.. તો રાજ્યના 24 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગઇકાલે અમરેલીના લીલીયા અને સાવરકુંડલા તેમજ રાજુલા તાલુકામાં વરસાદ શરૂ થયો છે. રાજુલા અને આજુબાજુના વિસ્તારમાં વરસાદથી ધાતરવડી-1 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે ધાતરવડી ડેમ-2માં નવા નીરની આવક થઇ છે.
ગીરનારના જંગલમાં ભારે વરસાદથી વિલીંગ્ડન ડેમ ફરી છલકાયો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠા ગામોમાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, બાજીપુરા, વેડછી સર્કલ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં આગામી 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતની દરિયાઈ સીમમાં આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
