આગામી 36 કલાકમાં હવામાનમાં થઈ શકે છે ફેરફાર
Live TV
-
અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશ વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાયું
ગુજરાતમાં આગામી 36 કલાકમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જે આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ ડિપ્રેશન 25 ઓકટોબરના દિશા બદલીને પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે. જેનાં કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
તો બીજી બાજુ રાજ્યભરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યાં હતાં. હવામાનની આગાહી બાદ આ ઝાપટાં પડ્યાં હતાં. અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વાવેરી, વડલી, ધારેશ્વર અને દિપડિયા સહિતની ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બીજીતરફ ભાવનગરના સિહોર પંથકની આસપાસ પણ વરસાદ વરસ્યો હતો
નવસારીમાં પણ છેલ્લા બે દિવસથી વાતાવારણમાં પલટો આવતાં ડાંગરના પાક પર માઠી અસર પડી છે. જેથી ડાંગરનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. જિલ્લાના જલાલપોર નવસારી ગ્રામ્ય તથા ચીખલી વિસ્તારમા સૌથી વધુ ડાંગરની ખેતી કરવામા આવે છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ધરુ નાશ પામ્યો છે. જેના કારણે ખેડુતોની ડાંગરની ખેતી નિષ્ફળ ગઈ છે. નવસારી જિલ્લામાં એદાજીત 40 હજાર હેકટરમાં ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ વખતે વરસાદ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોનો ઉભા પાકને મોટું નુકસાન થતાં અંદાજીત એક કરોડના નુકસાનીનો અંદાજ છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે મદદની માગ કરી છે.
તો આ બાજુ ગીર સોમનાથનાં ગીર જંગલ વિસ્તારનાં ગામોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળી, સોયાબીન સહિતનાં પાકોને ભારે નુકસાનીનો અંદાજ છે. કમોસમી વરસાદથી વધુ એક વાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસા અહીં સતત 3 મહિના વરસાદ પડ્યો હતો જેનાં કારણે ખેતરો પાણીથી તરબોળ રહ્યા હતા. જોકે છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લેતા ગીર સોમનાથનાં મોટાભાગના ખેડૂતોએ હાશકારો લીધો હતો. અને ખેતરમાંથી મગફળી કાઢવાનું કામ શરૂ કરી દીધું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી આવેલા કમોસમી વરસાદથી ફરી એક વાર ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. કમોસમી વરસાદને કારણે મગફળી પલળી ગઈ છે. તો સાથે સાથે સોયાબીનના પાકને પણ ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતો બેહાલ બન્યાં છે અને સરકાર પાસે મદદની આશા કરી રહ્યાં છે.
