આજથી ગુજરાતમાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ, દિવ્યાંગ મતદારોને ટૉલ ફ્રી થકી સહાય
Live TV
-
ચૂંટણી પંચે વોટર હેલ્પલાઈન લોન્ચ કરી, મતદારો એપ થકી પોતાના નામ કે સરનામા અંગે ફેરફાર કરી શકશે
આજથી રાજ્યભરમાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો. જેમાં મતદાર યાદીમાં મતદારોના ફોટો સહિતની વિગતોમાં સુધારો કરવા, અવસાન પામેલ, સ્થળાંતરિત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અને તમામ મતદારોની વસતી વિષયક વિગતોની ચકાસણી તથા ઓથેન્ટિકેશન કરી શકાશે.
આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ મુરલીક્રિષ્ણાએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકેની પોતાની તથા પોતાના પરિવારના અન્ય સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકશે. આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નામ અને અન્ય વિગતોની ચકાસણી અને સુધારાની સુવિધા એપ અને પોર્ટલ પરથી થઈ શકશે.
આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નામ અને અન્ય વિગતોની ચકાસણી અને સુધારાની સુવિધા Voter Helpline Mobile App,www.nvsp.in, ઈ-ગ્રામ કેન્દ્રો, નાગરિક સુવિધા કેન્દ્રો, તથા સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરીના મતદાર સહાયતા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઈ-ગ્રામ કેન્દ્રો, નાગરિક સુવિધા કેન્દ્રો ખાતે આ સુવિધા માટે નિયત કરેલ ફી રૂ. 1 થી રૂ. 3 સુધીની ચૂકવવાની રહેશે.
આ ઉપરાંત દિવ્યાંગ મતદારોને ચકાસણી માટે વોટર હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર 1950 મારફત સુવિધા આપવામાં આવશે. ડૉ.મુરલી ક્રિષ્ણાએ આગળ જણાવ્યું હતું કે, મતદારની વિગતોની ચકાસણી દરમ્યાન વિગતોમાં જો કોઈ સુધારો જરૂરી જણાય તો તે અંગેનો સુધારો કર્યેથી તે માટેનું ફોર્મ-8 ઓટોમેટિક જનરેટ થશે. આ સુધારા માટેના જરૂરી પુરાવા મતદારે અપલોડ કરવાના રહેશે. મરણ પામેલા કે સ્થળાંતરિત થયેલા મતદારોના કિસ્સામાં નામ કમી કરવા માટે જરૂરી વિગતો ભરવાથી ફોર્મ નં. 7 પણ ઓટોમેટિક જનરેટ થશે.
