આજથી રાજ્યની સાથે દેશભરમાં નવી ગાઈડલાઈન સાથે સિનેમાઘરો ખૂલ્યાં
Live TV
-
અનલોક-5 અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશો અનુસાર લાંબા સમય બાદ ફરી એકવાર કેટલાક રાજ્યોમાં શાળા-કોલેજો ખુલશે. સાથે જ સિનેમા હોલ, મલ્ટીપ્લેક્ષ સિનેમા, સ્વિમિંગ પુલ અને મનોરંજન પાર્કને પણ આજથી ફરી ખુલ્લા મૂકાયા છે.
પંજાબમાં તબક્કાવાર શાળા-કોલેજો ખોલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પંજાબમાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ આજે સ્કૂલમાં જઈ શકશે. આ સિવાય સિનેમા હોલમાં કોરોના સંબંધિત તમામ નિયમોનું પાલન કરવું પડશે. જો કે સ્કૂલો ખોલવાનો નિર્ણય કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર હસ્તક છોડ્યો છે.
નવી ગાઈડલાઈન પ્રમાણે થિએટરમાં દરેક દર્શક વચ્ચે એક સીટ ખાલી રાખવી પડશે. હોલની અંદર ક્ષમતાના 50 ટકા દર્શકો જ અંદર આવી શકશે. હોલમાં પ્રવેશ લેનારા લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. સાથે જ દરેક વ્યક્તિ પાસે આરોગ્ય સેતુ એપ હોવી ફરજિયાત છે. ટિકિટ ખરીદવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હશે.
ગુજરાતમાં પણ આજથી થિએટરો ખૂલી રહ્યા છે. જો કે નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણની સાંકળ તોડવા માટે સિનેમા ઘરો હજુ પણ બંધ રહેશે. બીજી તરફ થિએટરો ખૂલી રહ્યા છે, પરંતુ દર્શકો થિએટરોમાં જઈ રહ્યા નથી અને કોઈ નવી ફિલ્મો પણ રિલીઝ ન થવાના કારણે થિએટરોમાં શું બતાવવું એ અસંજસની સ્થિતિ સિનેમાઘરોના માલિકો માટે ઉભી થઈ રહી છે.
