આજે સી.આર.પાટીલની ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થઇ, જાણો તેમના વિશે વધુ
Live TV
-
સી.આર.પાટીલનું પૂરું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે.સી.આર.પાટીલ નવસારીથી સાંસદ છે અને તે 2 ટર્મથી સતત લોકસભાના સાંસદ રહ્યા છે. તેઓ ડિસેમ્બર 1989માં ભાજપમાં જોડાયા હતા. 2014 માં કોંગ્રેસના મકસુદ મિર્ઝાને સૌથી મોટી હાર આપી હતી નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. (ISO) લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.
એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની ITI મા અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતુ નહિ. એ મુદ્દો લઈને સી.આર.પાટીલએ ૧૯૮૪મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલએ પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા.
સી. આર. પાટીલે ચીખલી ગામને દત્તક લઈને સૌથી ઝડપી આદર્શ ગામ બનાવ્યું હતું આ સિવાય તેમને મોબાઈલ કચેરી પણ શરૂ કરી હતી જેથી દરેક મતવિસ્તારમાં લોકોની સમસ્યા સરળતાથી જાણી શકાય
