આણંદ : એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા રોકાણકારો અને વેપારી સમુદાય માટે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ યોજાઈ
Live TV
-
રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતના લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય પર આણંદમાં અમૂલના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પ્રિ-વાયબ્રન્ટ સેમિનારને કૃષિ મંત્રી રાઘવજી પટેલે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડની ઉપસ્થિતમાં ખુલ્લો મૂક્યો હતો.આ સેમિનારમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણ માટે કુલ 55 સમજૂતી કરાર પૈકી સાત સમજૂતી કરાર મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટરનરી યુનિટનું મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશનું મહત્વપૂર્ણ ઔદ્યોગિક રાજ્ય છે. ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે, ત્યારે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં થનાર મૂડી રોકાણ ખેડૂતોના ભવિષ્યને બહેતર બનાવવા સાથે દેશની ખાદ્યાન્ન સુરક્ષા પૂરી પાડવામાં મહત્વનું યોગદાન આપશે. ગુજરાતમાંથી દેશમાં અને વિદેશમાં નિકાસ માટે પરિવહનની કોઈ અગવડ ન પડે તે માટે આધુનિક રસ્તોનું નેટવર્ક,રેલવે નેટવર્ક, હવાઈ નેટવર્ક સાથે સરકારે પ્રોત્સાહક નીતિઓ પણ અમલમાં મૂકી છે જેનો લાભ લેવા તેમણે રોકાણકારોને આહવાન કર્યું હતું.
સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગમાં તકનીકી પ્રગતિ સાથે મૂલ્યવર્ધન એ જ ભવિષ્યનો માર્ગ છે. આ ક્ષેત્ર મહત્તમ રોજગારીનું સર્જન કરી શકે તેમ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ સેમિનાર સરકાર અને ખાનગી ક્ષેત્ર માટે રાજ્યની માળખાકીય અને લોજિસ્ટિકલ ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. રાજ્યમાં 30 હજારથી વધુ ફૂડ પ્રોસેસિંગ એકમો કાર્યરત છે અને સરપ્લસ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધનના અવકાશનો વિસ્તાર કર્યો છે જેનો શ્રેય નિકાસ માટેની સુધરેલી કનેક્ટિવિટીને જાય છે.
