આહવા ખાતે રાજ્યપાલ દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો
Live TV
-
પ્રાકૃતિક ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલે આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ સ્થળે ઊભા કરાયેલા, પ્રાકૃતિક ખેતી અને ખેત ઉત્પાદનનું નિદર્શન કરતા વિવિધ વ્યક્તિગત અને સંસ્થાગત સ્ટોલ્સની જાત મુલાકાત લઈ, ખેડૂતો અને સ્ટોલ ધારકો સાથે સંવાદ સાધ્યો હતો.
કૃષિ દ્વારા વિશ્વ માટે પથદર્શક બનેલા ડાંગ અને ડાંગના ખેડૂતોને રસાયણમુક્ત ખેત ઉત્પાદનોને સ્વસ્થ સમાજ માટે ઉપલબ્ધ કરાવવા બદલ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ધન્યવાદ પાઠવ્યા હતા.
પ્રાકૃતિક ખેતીનો વૈજ્ઞાનિક અભિગમ સ્પષ્ટ કરતા રાજયપાલે દેશી ગાયના ગોબર, અને ગોમૂત્રના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે યોગ્ય તાલીમ ઉપર લક્ષ કેન્દ્રિત કરી, ખેડૂતોને વ્યાપક જાગૃતિ સાથે પ્રાકૃતિક ખેતીની સાચી સમજ કેળવવાની અપીલ કરી હતી.
મર્યાદિત સંસાધનો વચ્ચે પ્રકૃતિની વચ્ચે રહેતા ડાંગના ખેડૂતો, અને પશુપાલકોને અહીં ઉપલબ્ધ કુદરતની અણમોલ ભેટનું મહત્વ સ્વીકારી, તેમને પ્રાપ્ત થયેલી સ્વર્ણિમ તકને ઝડપી પ્રજાજનોને પૌષ્ટિક અન્ન ઉત્પાદન પૂરું પાડી, સ્વસ્થ સમાજ નિર્માણ દ્વારા ઈશ્વરના આશીર્વાદ મેળવવાની રાજયપાલે અપીલ કરી હતી.
પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગના જાગૃત ખેડૂતોને અનુરોધ કરતા રાજયપાલે જિલ્લાના પ્રત્યેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી, તેમને દેશી ગાય આધારિત ખેતી માટે પ્રોત્સાહિત કરે તેમ જણાવ્યું હતું. રાજયપાલે ડાંગની પ્રાકૃતિક ખેતી જિલ્લા અને રાજ્યના સીમાડા ઓળંગી દેશ અને વિશ્વમાં ડાંગનો ડંકો વગાડશે તેમ પણ જણાવ્યું હતું.
આવનારી પેઢીને સ્વસ્થ અને સમૃદ્ધ વારસો પૂરો પાડવાની જવાબદારી ખેડૂતોની છે તેમ જણાવતા રાજયપાલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે, સૌને પૂર્ણ મનોભાવ સાથે સો ટકા પ્રાકૃતિક ખેતી અપનાવવા, જિલ્લાના તમામે તમામ ખેડૂતોને સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.
સ્વસ્થ સમાજ નિર્માણમાં ખેડૂતોની ભૂમિકાનો ખ્યાલ આપતા રાજયપાલે જળ, જમીન અને પ્રકૃતિની જાળવણી સાથે, ખેતીના કર્મયોગ દ્વારા ખેડૂતોને સાચી ખુશાલી સાથે સમૃદ્ધિ તરફ આગળ વધવાની અપીલ પ્રેરણા આપી હતી.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના કાર્યક્રમ પ્રારંભે રાજ્યના આત્મા પ્રોજેકટ નિયામક એચ.કે.વઢવાણિયાએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો ખ્યાલ આપી, ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતીના પથદર્શક બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નિયામકે ડાંગના અન્ય ખેડૂતોને પણ દેશી ગાય આધારિત કૃષિ માટે પ્રોત્સાહિત કરવાની અપીલ કરી હતી.
કાર્યક્રમના મુખ્ય સ્ટેજ ઉપરથી પ્રાકૃતિક ખેતીને વરેલા ચીંચોડના ખેડૂત મહેશભાઈ કહાનડોલિયા તથા ભૂરાપાણીના યશવંતભાઈ સહારેએ તેમના સ્વાનુભાવો વર્ણવ્યા હતા. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલા 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' કાર્યક્રમમાં ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહજી જાડેજા સહિત જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપીન ગર્ગ, અને સંબંધિત અધિકારી, મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા.
