ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજકોટના યાત્રાળુઓના કરાયાં અંતિમ સંસ્કાર
Live TV
-
ઉત્તરાખંડમાં ગંગોત્રી ધામ દર્શને ગયેલા રાજકોટના તીર્થયાત્રીઓ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. મૃતક નવ તીર્થયાત્રીઓના મૃતદેહો ગઇકાલે રાત્રે વાયુસેનાના વિમાનમાં રાજકોટ આવી પહોંચતા ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
આજે તેમના વિધિસર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજકોટના રામેશ્વર અને ગાયત્રીનગર સહિતના વિસ્તારમાંથી એક સાથે અંતિમયાત્રા કાઢવામા આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમની અંતિમવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અને રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્યે હાજરી આપી હતી.
આઠ મૃતકો કડિયા સમાજના હોવાથી તે સમૂહ પર જાણે કે આભ ફાટી પડ્યું હતું. મૃતક તીર્થયાત્રીઓ ગંગોત્રી ધામના દર્શન કરીને મીની બસમાં પરત આવી રહ્યા હતા ત્યારે ઉત્તરાખંડમાં જ મીનીબસ ખાઈમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો, અને તીર્થયાત્રીઓના મૃત્યુ થયા હતા.
