ઉત્તર ગુજરાતના ખેડૂતોને 10 દિવસ માટે નર્મદા કેનાલથી પાણી આપવાની સરકારે કરી જાહેરાત
Live TV
-
સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરાયુ નહોતું તેમજ ખેડૂતોને નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો તરફથી માનનીય મુખ્યમંત્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
નર્મદાનું પાણી આપવા બાબતે ખેડૂતોની રજુઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેએ હકારાત્મક વલણ અપનાવીને 1500ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપી હતી. જેના કારણે આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મુંગા અબોલ પશુઓ ને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે.
