ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ : ગુજરાતે દેશના ૧૦ રાજ્યોને કર્યુ સરપ્લસ વીજળીનું વેચાણ
Live TV
-
ઉત્તરપ્રદેશે ૯.પ૪ મિલીયન યુનિટ, બિહારે ૭.૧૩ મિલીયન યુનિટ, પશ્ચિમ બંગાળે ૮.પપ મિલીયન યુનિટ વીજળી ગુજરાત પાસેથી ખરીદી
ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતે પોતાની સરપ્લસ વીજળીનું દેશના ૧૦ રાજ્યોને વેચાણ કર્યુ છે. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રીશ્રીએ આ વિગતો આપતા કહ્યું કે, ગુજરાત વીજળીનું વિપૂલ ઉત્પાદન કરનારૂં રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે. વીજળીની માંગ અને પૂરવઠામાં જુદા જુદા કારણોસર વધઘટ થતી રહે છે તેની વિગતો આપતાં સૌરભભાઇ પટેલે ઉમેર્યુ કે, વરસાદની મોસમ હોય, તહેવારો કે રજાના દિવસોમાં ઊદ્યોગો-કારખાનાઓ બંધ હોય કે તાપમાનની વધઘટ હોય અથવા વિન્ડ એનર્જી, સોલાર એનર્જીની વ્યાપક ઉપલબ્ધિ હોય તેવા સંજોગોમાં માંગ-પુરવઠામાં બદલાવ આવતો રહે છે.
ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે વધુમાં કહ્યું કે, જ્યારે વીજ માંગ ઓછી હોય ત્યારે વીજ ઉત્પાદનની શ્રેષ્ઠત્તમ ઉપયોગિતા માટે અને પ્લાન્ટ બિનઉપયોગી ન રહે તેવા હેતુસર અન્ય રાજ્યોને વીજળી વેચવામાં આવે છે. એટલું જ નહિ, ‘રાષ્ટ્રિય સંપત્તિ’ એવા વીજમથકોનો મહત્તમ ઉપયોગ થાય તેમજ વીજ ખરીદીની પડતર કિંમત ઘટાડવા સારૂ ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર સહિતની તમામ પ્રકારની વીજમાંગને પૂર્ણ કર્યા બાદ વધારાની સરપ્લસ વીજળી દેશમાં તીવ્ર ખેંચ અનુભવતા જરૂરિયાતવાળા રાજ્યોને વેચવામાં આવે છે.
