કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય
Live TV
-
કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ 45 કિલોમીટર લંબાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ આ ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે. હવે આ નહેરને ભુજ તાલુકાના કુનારિયા સુધી લંબાવાતા અંજાર તેમજ ભુજ તાલુકાના વધારાના 13,175 એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ મળતાં થશે તેમજ પશુધનને પીવાના પાણી તથા ઘાસ-ચારાની સમસ્યા દૂર થશે.
આ નહેર પૂર્ણ થતાં નર્મદામાં પૂર વખતે ઉપલબ્ધ થતાં વધારાના પાણીમાંથી કચ્છને જે 1 મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયેલ છે તેના ભાગરૂપે રુદ્રમાતા ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અંદાજીત રૂપિયા 1,550 કરોડના ખર્ચે હાથ ધરાનારી આ દૂધઈ પેટા શાખા નહેરની તથા તેની વિસ્તરણ માળખાની નહેરોના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમ ના ડાયરેક્ટર સિવીલ અને કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ,જળ સંપત્તિ વિભાગ ના સચિવ અને ખાસ સચિવ તેમજ વરિષ્ઠ ઈજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
