કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં મોટાપાયે નુકસાન
Live TV
-
20 ટકાથી વધુ કેરીના પાકને નુકસાન થયું: વૈજ્ઞાનિકો
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડુતોને પાકમાં મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. કચ્છમાં કેરીના પાકમાં પણ નુકસાન ગયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમથી ભારે પવન અને વરસાદી વાતાવરણ સર્જાતા કચ્છમાં કેરી પાકે તે પહેલા જ ખરી જતા ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાયું છે. તો આ તરફ નવસારીમાં પણ કેરીના પાક પર બ્રેક લાગે એવું વાતાવરણ સર્જાયું છે. જિલ્લાની અંદાજે 5 હજાર હેક્ટર જમીનમાં કેરીનો પાક લેવાયો છે. પરંતુ કમોસમી માવઠું અને વાતવરણમાં બદલાવના કારણે ખેડુતો ચિંતામાં મૂકાયા છે. કેરીઓમાં ભૂખી છારા નામના રોગના કારણે પાક ઓછો ઉતરશે એવી શકયતાઓ સેવાઈ રહી છે. આ સાથે વાવાઝોડાની સાથે વરસાદ ખાબકતા કેરીનો પાક મોટા પ્રમાણમાં જમીન દોસ્ત થવા પામ્યો છે. જ્યારે આંબાના પાકમાં વરસાદને લઇ જીવાત જોવા મળતા નુકશાનને લઈને કૃષિ વૈજ્ઞાનિકો પણ ચિંતિત છે. મહત્વનું છે કે રાજયમાં 11 થી 12 લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. જેમાં દક્ષિણ ગુજરતમાં 8 લાખ ટન કેરીનું ઉત્પાદન થવા પામે છે. ત્યારે વૈજ્ઞાનિકો મુજબ રાજયમાં 20 ટકાથી વધુ કેરીના પાકને હાલ નુકસાન થવા પામ્યું છે.
