કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસનો આજે બીજો દિવસ
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રી આજે પલ્લવ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકશે: અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રામાં સામેલ થશે
ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. અમદાવાદમાં 16 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પલ્લવ ઓવરબ્રિજને ખુલ્લો મુકશે. પલ્લવ અને પ્રગતિનગર જંક્શન વચ્ચે બનેલા અંદાજે 1 કિલોમીટર લાંબા આ ફ્લાયઓવરને કારણે અખબારનગરથી શિવરંજની કે યુનિવર્સિટી તરફ જવું હોય તો પલ્લવ અને પ્રગતિનગર ચારરસ્તા પર ઊભા રહેવું નહીં પડે. બ્રિજ બનતાની સાથે જ લોકોને ટ્રાફિકથી પણ રાહત મળશે.
અમિત શાહના હસ્તે શહેરના મહત્ત્વના વિકાસકામો અને પ્રોજેક્ટ મળી 1692 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આ વિકાસકામોમાં 385.24 કરોડના ખર્ચે તૈયાર થયેલા 32 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે 1199.32 કરોડના ખર્ચે તૈયાર થનારા 60 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે. આ પ્રોજેક્ટમાં સૌથી મહત્ત્વનો 579 કરોડના ખર્ચે તૈયાર થનારો પંચવટી ફ્લાયઓવર છે. અમિત શાહ આ બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત વિવિધ હાઉસિંગ પ્રોજેક્ટના પણ 107.6 કરોડના 3 વિકાસકામનું ખાતમુહૂર્ત કરશે.
ઉલ્લેખનીય છે કે ગત રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યુ હતુ. આ ઉપરાંત તેઓ ગાંધીનગરના સેક્ટર-21 અને 22ને જોડતા નવા બ્રિજ, ગાંધીનગર મનપા નિર્મિત પેથાપુર આરોગ્ય કેન્દ્ર અને કોલવડા તળાવનું લોકાર્પણ કર્યુ હતુ. સાથે સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોસ્ટ વિભાગના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું તેઓના હસ્તે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.
